હેલ્થ એન્ડ બ્યૂટી

ડોનેટ લાઈફ સંસ્થાએ વર્ષ ૨૦૨૨ના અંતિમ દિવસે સુરતથી વધુ એક અંગદાન કિરણ હોસ્પિટલથી કરાવ્યું.

ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૩ માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું.

૬/૯, SMC ક્વાટર્સ, સુભાષ ગાર્ડન પાસે, ડોક્ટર પાર્કની બાજુમાં, મોરાભાગળ, રાંદેર રોડ, સુરત. મુકામે રહેતો હિરલ ૨૯ ડીસેમ્બરના રોજ સવારે ઘરે થી એલ.પી.સવાણી રોડ, મધુવન સર્કલ પાસે આવેલ પ્રો-બાબર સલુનમાં કામ પર જઈ રહ્યો હતો, ત્યારે સવારે ૧૦:૩૦ કલાકે રામ નગર સર્કલ પાસે બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની પાસે તેની મોટર સાઇકલ સ્લીપ થઇ જતા હિરલ મોટરબાઈક પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો, તેને તાત્કાલિક નજદીકમાં આવેલ લાઈફલાઈન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. પરિવારજનોએ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો.

૩૦ ડીસેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ડૉ. ધીરેન હાડા, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે હિરલને બ્રેઈનડેડ જાહેર કર્યો.

ઇન્દોરમાં ઓર્ગન ડોનેશન માટે કાર્ય કરતી સંસ્થા મુસ્કાનના જીતુભાઈ બેગાનીએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી હિરલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલની સાથે રહી હિરલના પિતા વિજયભાઈ, માતા અલ્કાબેન, બેન રીયા, જીજાજી સુનીલ ભારૂડકર, ગજાનંદ ઈંગલે અને તેમના પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

હિરલના માતા-પિતા અલ્કાબેન અને વિજયભાઈએ જણાવ્યું કે અમે ખુબ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી, અમારો દીકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હિરલના પિતા સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.

સુરતની મહાવીર  હોસ્પીટલના ડો.નિરજ કુમાર, ડૉ.સંદીપ સિંહા, ડૉ.જસવંત પટેલ અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પીટલના ડો.ધર્મેશ ધાનાણી, ડૉ.સુનીલ કુમાર સિંગ, ડૉ.અનુરાગ શ્રીમાલ, ડૉ.ગૌરવ પટેલ, ડૉ.મિતુલ શાહ, ડૉ.પ્રશાંત રાવ, ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.ધર્મેશ નમા, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ અંક્લેશ્વરના ૧૭ વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમા ડો. અન્વય મુલે, ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી ૩૪ વર્ષીય વ્યક્તિમાં, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૯ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૬૧ વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલ થી મહાવીર હોસ્પિટલ હ્રદય સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો હતો. ઉલેખ્ખનીય છે કે કિડની, લિવર, હ્રદય, ફેફસા, હાથ જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી ૮૫ ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યા છે. 

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા ત્રેતાળીસમાં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં હિરલના પિતા વિજયભાઈ, માતા અલ્કાબેન, મામા પ્રશાંતભાઈ, જીજાજી સુનીલ, બેન રીયા, રીયાની સાસુ મંગલાબેન, મિત્ર રાહુલ, કાકા બળવંતભાઈ અને પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ અને ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સંજય ટાંચક, અર્જુન ત્રિવેદી, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંત દેસાઈ, CEO અને ટ્રસ્ટી નિરવ માંડલેવાલા, કરણ પટેલ, સ્મીત પટેલ, જગદીશભાઈ ડુંગરાણી, રમેશભાઈ વઘાસીયા, નરસીંહભાઈ ચૌધરી, કિરણ પટેલ, મેક્ષ પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૬૧ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૪૬ કિડની, ૧૯૦ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૩ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૪૪ ચક્ષુઓના દાનથી કુલ ૯૭૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button