ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા “ગાર્ડનિંગ વર્કશોપ” યોજવામાં આવ્યો
વડોદરા: આજ કાલની મોંઘવારી અને વધતી ગરમીમાં છોડ રોપવો તે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. વૃક્ષો વાવવાના અનેક લાભો આપણને મળતા હોય છે. ઘણા લોકો પોતાના ઘરની શાકભાજી પોતાના ઘરે જ ઉગાડતા હોય છે. જેનાથી તેમને બજારમાં મળતા દવા છાંટેલા શાકભાજી અને ફળો ખાવા ન પડે. એના અનુસંધાનમાં, ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા એક “ગાર્ડનિંગ વર્કશોપ” યોજવામાં આવ્યું હતો. જેમાં ૨૫ જાતનાં છોડને કઈ રીતે વાવવા? એની કાળજી કેવી રીતે લેવી? ખાતરનો પૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો? કયા છોડથી શું લાભ મળે? પાણીનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો? અને છોડ માટે કુંડા કયા વાપરવા જોઇએ? એ વિશે જાણકારી તેમજ સમજ આપવામાં આવી હતી.
ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન ગ્રામીણ ભારતમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ તેમજ પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે કામ કરતી વડોદરામાં સ્થિત એક સક્રિય સંસ્થા છે. પ્રોગ્રામમાં ઉપસ્થિત બધા જ પર્યાવરણ પ્રેમીઓને ખૂબ જ સારો અનુભવ રહ્યો અને બધાને કાંઈક નવું શીખવા મળ્યું હતું. છોડ વાવતી વખતે જે ભૂલો આપણે કરતા હોઈએ છીએ, તેને નિવારી શકાય તે માટે વર્કશોપના અંતે સવાલ જવાબના એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રોગ્રામમાં હાજર સંસ્થાના ટ્રસ્ટી કિન્નરીબેન હરિયાણીનો અનુભવ પણ ખૂબ સરસ રહ્યો અને વર્કશોપમાં હાજર બધા ભાગ લેનારાઓએ ટેક્સો ફાઉન્ડેશન તેમજ કિન્નરીબેનના પર્યાવરણ પર જાગૃતતા ફેલાવતી પહેલનો સત્કાર કર્યો હતો.