સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

હોસ્પિટલની જરૂરિયાતો પૂર્ણઃ સુરતને દૈનિક ૧૬૦ મેટ્રિક ટન ઓકિસજન પુરવઠો ઉપલબ્ધ

ઉચ્ચ અધિકારીઓ, હોસ્પિટલતંત્ર અને ઉત્પાદકોના સંયુક્ત પ્રયાસો થકી ઓક્સિજનની અછત નિવારી શકાઈ

સુરતઃ કોરોના કટોકટી વચ્ચે જયારે એપ્રિલ મહિના દરમિયાન કોરોના કેસોમાં ઉછાળો આવતા ઓકિસજનના વપરાશમાં પણ એકાએક અકલ્પનીય વધારો નોંધાયો હતો, દેશભરમાં કોવિડ કેસોમાં સતત વધારો અને ઓક્સિજનની બુમરાણ વચ્ચે એક તબક્કે તો શહેરમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. પરંતુ જિલ્લા વહીવટીતંત્રના બાહોશ અધિકારીઓની મહામહેનતે સ્થિતિ થાળે પાડી હતી. જેના કારણે સુરતમાં ઓક્સિજનની અછતના કારણે પરિસ્થિતિ વણસી હોય તેવો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. દર્દીઓને મોતનાં મોંમાંથી ઉગારવા માટે રાજ્ય સરકારના સહયોગથી તાબડતોબ ઓક્સિજનની વ્યવસ્થા કરી રાહત પહોંચાડવામાં આવી અને ઉમદા ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

વધુ વિગતો પર નજર કરીએ સામાન્ય રીતે રાજ્યભરમાં દૈનિક ૧૯૫ મેટ્રિક ટન ઓક્સિજન વપરાય છે, પરંતુ કોવિડના બીજા ફેઝમાં ૧૧૫૦ મેટ્રિક ટનનો ઉછાળો નોંધાયો. દેશમાં માર્ચ મહિનામાં આવતા કોરોના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો હતો. ગુજરાત અને સુરત પણ એમાં બાકાત નહોતું. સુરતની વાત કરીએ તો, કોવિડના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે માર્ચમાં ૬૪ મેટ્રિક ટનનો વપરાશ હતો. જે વધીને એપ્રિલ મહિના દરમિયાન તા.૨૨મી એપ્રિલે ઓક્સિજનનો વપરાશ ૨૪૧ મેટ્રિક ટનની ટોચ સુધી પહોચી ગયો હતો. આવા સમયે સિવિલ-સ્મિમેર તથા શહેરની ખાનગી હોસ્પિટલોમાં સમયસર પુરવઠો પહોચે તે માટે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ અને જી.આઈ.ડી.સી.ના એમ.ડી. અને સુરતમાં કોવિડ માટે ખાસ ફરજ પરના અધિકારીશ્રી એમ.થેન્નારસનની કુનેહના કારણે સુરતીવાસીઓએ ઓક્સિજનની માંગ સામે સપ્રમાણસર ઓક્સિજનનો પુરવઠો પુરો પાડવાનું કપરૂ કાર્ય સુપેરે પાર પાડયું. તંત્રએ ઓક્સિજન સપ્લાય અને પ્રાપ્તિ માટે વિવિધ મોરચે કામ સંભાળ્યું અને પરિણામ આપણી સૌની સામે છે. એક તબક્કે અધિકારીઓ જાતે જ આઈનોકસ કંપની પર જઈને મધ્યપ્રદેશના ટેન્કરોમાં ઓક્સિજન રિફિલિંગને અટકાવીને સુરતના ટેન્કરોનું સૌપહેલાં રિફિલિંગ થાય એ માટે તાકીદ કરી હતી. પરિણામે મધ્યપ્રદેશ પહેલાં સુરતને ઓક્સિજન રિફિલ માટે પ્રાથમિકતા મળી હતી.

ઓક્સિજનની જરૂરિયાતના મોનિટરીંગ માટે ૨૦ અધિકારીઓની ટીમ બનાવીને કંટ્રોલરૂમ શરૂ કરાયો

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરશ્રી રૂપમ પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં સુરતને આઈનોક્ષ કંપની તરફથી ૧૨૦ થી ૧૩૦ મેટ્રિક ટન તથા ૧૫-૨૦ મેટ્રિક ટન મે.લિન્ડે તરફથી ઓક્સિજન સપ્લાય મળતો હતો. જેનાથી શહેરની માંગ સંતોષાઈ જતી હતી. પરંતુ એક તબક્કે કેસોમાં આવેલા ઉછાળાના પરિણામે ઓક્સિજનની જરૂરિયાતમાં એકાએક વધારો થતા તત્કાલ મોનિટરીંગ કરવા માટે ૨૦ જેટલા કલાસ વનથી લઈ કલાસ-૩ સુધીના અધિકારી-કર્મચારીઓની ટીમ બનાવીને કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો. સુરત ખાતે અગાઉ એક લિક્વીડ ઓક્સ્સિજન ઉત્પાદક, એક એર સેપરેશન યુનિટ અને છ રિફિલર્સ હતા. વધતી માંગને ધ્યાનમાં રાખીને વધુ એક લિક્વીડ ઓક્સ્સિજન ઉત્પાદક, એક એર સેપરેશન પ્લાન્ટ અને એક રિફિલરને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનીસ્ટ્રેશન દ્વારા ૦૬ કલાકની અંદર લાયસન્સ આપવામાં આવ્યું હતું, અને તેમણે એ જ દિવસથી હોસ્પિટલોમાં ઓક્સિજનનો સપ્લાય શરૂ કરી દીધો. રિફિલર્સના ત્રણ નાઈટ્રોજન ટેન્કર ઓક્સિજન ટેન્કરમાં ફેરવાયા હતા જેથી ટેન્કરની તંગી ઓછી થઈ હતી. વધુમાં એક નાઈટ્રોજન સ્ટોરેજ ટાંકી પણ ઓક્સિજન સ્ટોરેજ ટેન્કમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.

સેવાનું બીજું રૂપ પણ સુરતે જોયું. એકબાજુ વહીવટીતંત્ર રાજ્ય સરકારના સતત સંપર્કમાં રહી ઓક્સિજન સપ્લાય વિનાવિક્ષેપ મળતો રહે એ માટે રાતદિવસ એક કરી રહ્યું હતું, ત્યારે બીજી બાજુ શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ, જ્ઞાતિસમાજ અને કોમ્યુનિટી જૂથોને ઓક્સિજન બેડ સુવિધાવાળી સી.સી.આઈ.સી અને ડી.સી.એચ.સી (કોમ્યુનિટી અને ડેડીકેટેડ કોવિડ કેર એન્ડ આઈસોલેશન સેન્ટર્સ’ બનાવ્યા હતા, ત્યાં પણ ઓક્સિજનની જરૂરિયાત રહેતી હતી, આ સેન્ટરો પણ ખાનગી ઉદ્યોગગૃહો પાસે શક્ય તેટલો ઓક્સિજન સપ્લાય મળી રહે એવા પ્રયાસો કરી રહ્યાં હતાં. શહેરમાં ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડરની આ વધારાની આવશ્યકતાઓ માટે, ખાનગી ઉદ્યોગો પાસેથી સિલિન્ડર હસ્તગત કરી ઉપરાંત ખરીદી કે ભાડેથી  લઈ આવા ૧૫૦૦-૨૦૦૦ વધારાના સિલિન્ડર ઉમેરવામાં આવ્યા હતા. જે પાંચ ડીસીએચસી અને ૨૨ CCICને આપવામાં આવ્યા હતા. CCICને ઓક્સિજનનો પુરવઠો ચોવીસ કલાક સુનિશ્ચિત કરવા માટે ઝોનના કાર્યકારી ઈજનેરોને જવાબદારી સોંપવામાં આવી હતી અને અલાયદા ઓક્સિજન રિફિલિંગ સ્ટેશન ફાળવવામાં આવ્યા હતા

આ સમયે શહેરને વધુ ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે એમ.થેન્નારસન અને જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલે ભરૂચ જિલ્લાના ઝઘડીયામાંથી ૨૦-૩૦ ટન ઓક્સિજન તથા જામનગરની રિલાયન્સ કંપનીમાંથી ૫૦-૬૫ ટન ઓક્સિજનનો સપ્લાય શરૂ કર્યો હતો. આ સમયે બે આઈસોલેશન પ્લાન્ટને તત્કાલ લાયસન્સની મંજુરી આપીને શરૂ કરવામાં આવ્યા.

ઈમરજન્સીના સમયે જરૂરિયાતને પહોંચી વળવા બફર સ્ટોક

નાયબ કલેકટર શ્રી રાજેશ બોરડે જણાવ્યું કે, સુરતમાં ટેન્કરોની જરૂરિયાત મુજબ ઓક્સિજનની સપ્લાય કર્યો હતો. સાત ડીલર પાસેથી ઓક્સિજન જથ્થો મળતો રહે તે માટે મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું. ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ઈમરજન્સીના સમયે કોઈ પણ હોસ્પિટલને ઓક્સિજન સ્ટોક પૂરો પાડી શકાય એ માટે અંદાજે ૨૫૦-૩૦૦ જમ્બો સિલિન્ડરો, પાંચ ડ્યુરા અને ચાર પોર્ટાનો બફર સ્ટોક કટોકટી હેતુ માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ હોસ્પિટલો દ્વારા S.O.S (ઈમરજન્સી) કોલ્સ આવતા ત્યાંરે તેઓના સિલિન્ડરો રિફિલિંગ થાય ત્યાં સુધી આ બફર સ્ટોકમાંથી ઓક્સિજન આપવામાં આવતો હતો.

પ્રત્યેક ઓક્સિજન ટેન્ક સાથે પોલીસ જવાન તૈનાત

ઓક્સિજનનો સમયસર સપ્લાય થાય તે માટે સુરતથી મામલતદારશ્રી તેમના સ્ટાફ સાથે જામનગરના રિલાયન્સ ખાતે ડ્યુટી પર મૂકાયા હતા. સમયસર ઓક્સિજન પહોંચાડવા ઓક્સિજનના ટેન્કરોના ઝડપી આવાગમન માટે ‘ગ્રીન કોરિડોર’ બનાવાયો હતો. જેમાં દરેક ટેન્કરને પોલીસ વાહનના પાયલોટીંગ સાથે ગ્રીન કોરિડોર મારફતે વિનાવિક્ષેપ સમય ગુમાવ્યા વિના સુરત ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. પ્રત્યેક ટેન્ક સાથે એક પોલીસ જવાનને તૈનાત રહી ટેન્કર સુરક્ષિતપણે ગંતવ્યસ્થળે પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખાનગી હોસ્પિટલ સંચાલકોને હાશકારો થયો

શહેરની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલના સંચાલકશ્રી ડો.બિરેન ચૌહાણે જણાવ્યું કે, કોરોના કેસોમાં અચાનક આવેલા ઉછાળાના પરિણામે માંગમાં વધારો થતા આગામી સમયમાં અછત સર્જાશે તો શું કરવું એની ખુબ દ્વિધા હતી. પરંતુ જિલ્લા વહીવટીતંત્રએ શહેરની ૩૦૦થી વધુ હોસ્પિટલો તથા સરકારી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને સમયસર પુરવઠો પૂરો પાડીને દર્દીઓને નવું જીવન આપ્યું હતું, અને અમારા જેવા હોસ્પિટલ સંચાલકોને હાશકારો થયો હતો.

શહેરના સાત રિફીલરો સાથે ઓક્સિજનની પૂર્તિ માટે રાઉન્ડ ધ કલોક મોનિટરીંગ

સુરત શહેરમાં હજીરા આઈનોક્ષ, ઝઘડિયા તથા જામનગરથી આવતાં ઓક્સિજનના સપ્લાય અને રિફિલિંગ માટે સાત સપ્લાયરોને નિયુક્ત કરાયા હતાં. દર બે કલાકે ઓક્સિજન જરૂરિયાતનું મોનિટરીંગ, જથ્થાનું પ્રમાણ, મીટર રિડિંગ માટે તંત્રના દરેક સપ્લાયર પર એક અધિકારી સતત રાઉન્ડ ધ કલોક નિગરાની રાખતા હતાં.

ઓક્સિજન રિફિલ માટે તથા સમયસર સપ્લાય માટે તંત્રનો સહયોગ

ઓક્સિજન રિફીલર, સપ્લાયર પલસાણાના અક્ષય એર પ્રોડકટસના હેમલ દેસાઈએ જણાવ્યું કે અમારા બે રિફિલિંગ પ્લાન્ટમાં જાન્યુઆરી મહિના દરમિયાન ૧૮૦ થી ૧૨૦ મેટ્રિક ટનનું રિફિલિંગ થતુ હતું. માર્ચ-એપ્રિલની જરૂરીયાતને પહોચી વળવા માટે બન્ને પ્લાન્ટના કર્મચારીઓએ દિવસ-રાત મહેનત કરીને ૨૪ કલાક પ્લાન્ટ શરૂ રાખીને ૮૦૦-૯૦૦ મેટ્રિક ટન સુધી રિફિલ કર્યું હતું. સરકારના અધિકારીઓએ ઓક્સિજન રિફિલ માટે તથા સમયસર સપ્લાય થાય તે માટે તમામ સહયોગ પૂરો પાડયો હતો.

એપ્રિલ મહિના દરમિયાન ઓકિસજનનો વપરાશ

૧૧મી એપ્રિલના રોજ ૧૮૧.૯૫ મેટ્રીક ટન હતો. જયારે ૨૦મી એપ્રિલના રોજ ૨૧૭.૭૨ મેટ્રીક ટન, તા.૨૨મી એપ્રિલે ૨૪૧.૨૮ મેટ્રીક ટન, તા.૩૦મી એપ્રિલે ૧૯૧.૮૪, જે વપરાશ ઘટીને તા.૯મી મેના રોજ ૧૪૯.૧૧ મેટ્રીક ટન થયો છે.

કટોકટીના સમયમાં કરકસર માટે ઓક્સિજન ઓડિટ

જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલે જણાવ્યું કે, અન્ય શહેરોમાં પણ ઓક્સિજનની માંગમાં વધારો થતાં સુરત માટેનો ઓક્સિજન ક્વોટા ઘટાડવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિને પહોચી વળવા માટે અમે ઓક્સિજનનો કરકસરથી ઉપયોગ થાય એ માટે ઓક્સિજન ઓડિટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઓક્સિજનના કાર્યક્ષમ ઉપયોગ માટે સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલો માટે ડેડીકેટેડ ઓક્સિજન ઓડિટ ટીમ બનાવવામાં આવી હતી. ઓડિટ ટીમે તમામ હોસ્પિટલોની મુલાકાત લઈ તમામ લિકેજ પોઈન્ટ ચકાસી તેમા સુધારા કરાવ્યા. અગાઉ કરવામાં આવેલા ૯૬-૯૭ % ની તુલનામાં ૯૪ % મહત્તમ પર SPO2 જાળવવા જેવી શ્રેષ્ઠ પદ્ધતિઓ લાગુ કરવામાં આવી હતી.

કલેકટરશ્રીએ કહ્યું કે, બાયપેપ દર્દીઓ માટે સ્ટેપ ડાઉન મેથડ અજમાવવામાં આવી હતી. જેમાં દર્દીઓ ૮૦-૯૦ LPM ઓક્સિજન પર હોય, તો તે ધીરે ધીરે ૬૦-૫૦ LPM સુધીના સ્તરે લાવી ચોવીસ કલાક દર્દીને દેખરેખ હેઠળ રાખવામાં આવતા હતા. આ પછી જો દર્દી તે લેવલ પર સ્ટેબલ રહે તો ઘટાડેલ લેવલ પર ઓક્સિજન રાખવામાં આવે છે. આ રીતે વપરાશ ઓછો થયો અને ઓક્સિજન બચાવવામાં ખુબ મદદ મળી. સીસીટીવી કેમેરા સર્વેલન્સ અને ખામીયુક્ત ફ્લો મીટર અને અન્ય જોડાણોને નવા પાર્ટ સાથે બદલવામાં આવ્યા હતા. સ્મિમેર હોસ્પિટલમાં ૧૪૪ નવા ફ્લો મીટર લગાવવામાં આવ્યાં. હોસ્પિટલના નર્સો, ડોકટરો તથા અન્ય સ્ટાફને  ઓક્સિજનના કાર્યક્ષમ ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી

ઓક્સિજન બચાવવા ‘Do અને Don’t’  ની સુચનાઓ દિવાલો પર પ્રદર્શિત કરવામાં આવી. ઓક્સિજનના યોગ્ય વપરાશ અંગેની મહિતી ધરાવતા વિડિઓ બનાવી તમામ હોસ્પિટલો અને કર્મચારીઓને મોકલાયા. ઓડિટ ટીમે ખાનગી હોસ્પિટલોની પણ મુલાકાત લઈ ઓક્સિજનના જોડાણો, લિકેજ પોઇન્ટ તપાસ્યા અને કરકસર માટે કામે લગાડ્યા.

સિવિલ હોસ્પિટલમાં ૧૩ કિલોલીટર ઓક્સિજન સ્ટોરેજ પ્લાન્ટ અને ૦૪ મેટ્રિક ટન ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પી.એસ.એ પ્લાન્ટ સ્થાપિત કરાયો છે સ્મીમેર હોસ્પિટલ દ્વારા પણ વધારના ૨૦ મેટ્રિક ટન ઓક્સિજન સ્ટોરેજ ટેંક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ ઓક્સિજન ઉત્પાદન કરવા માટે જાતે પ્લાન્ટ શરૂ કર્યા. જેમાં ગ્લોબલ સનશાઇન અને એપલ હોસ્પિટલ તેમજ મિશન હોસ્પિટલે ૧૩ કિલોલિટર ટેંક સ્થાપિત કરી અને ઇટાલીથી PSA પ્લાન્ટ મંગાવ્યો.

આ પરિસ્થિતિ દરમિયાન, કેટલાક ઓક્સિજન ઉત્પાદકોને ટેકનિકલ સમસ્યાઓ નડી જેથી ૮ થી ૧૨ કલાક પ્લાન્ટ બંધ રાખવો પડ્યો હતો. દહેજની લિન્ડે કંપનીમાં તકનીકી ખરાબી આવી જેથી ત્યાંથી ઓક્સિજન મેળવતા મહાવીર, કિરણ, મિશન અને વિનસ હોસ્પિટલને ઓક્સિજન મળી શકે તેમ ન હતો. તેથી, ઓક્સિજન મેનેજમેન્ટ ટીમે આ હોસ્પિટલોને ઓક્સિજન મેળવવા માટે મદદ કરી અને કટોકટી ટાળી હતી. આ સમગ્ર કાર્યવાહી તથા વહિવટીતંત્રે લીધેલા દૂરંદેશીભર્યા પગલાઓના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય સતત મળતો રહ્યો. અને દર્દી દીઠ સરેરાશ વપરાશ પણ નીચે આવી ગયો હતો. જેથી હવે સુરતને દૈનિક ૧૬૦  મેટ્રિક ટન જથ્થો મળે છે તો પણ હોસ્પિટલોની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ અને ઓક્સિજનની અછતની કોઈ સમસ્યા રહી નથી એમ ડો.ધવલ પટેલ જણાવે છે.

આમ, પ્રાણવાયુની પૂર્તિ કરી સુરતવાસીઓની પ્રાણરક્ષા કરવામાં જિલ્લા વહીવટીતંત્રએ કોઈ કચાશ ન રાખી અને કટોકટીની પરીક્ષામાં પાસ થયાં છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button