લાઈફસ્ટાઇલસુરત

SGCCI દ્વારા ‘૭ લાઇફ મંત્રા’ વિષય ઉપર વેબિનાર યોજાયો

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘૭ લાઇફ મંત્રા’ વિષય ઉપર વેબિનાર યોજાયો હતો. જેમાં લાઇફ કોચ અને મોટીવેટર મેન્ટર પલક ભણશાળીએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે કહયું હતું કે, કોવિડ– ૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચેમ્બર દ્વારા વેબિનાર થકી લોકોનું મનોબળ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહયો છે. જીવનના સાત મંત્રોથી કેવી રીતે ટેન્શન મુકત થઇને સારું જીવન જીવી શકાય છે તેના વિશે આજના વકતા મહત્વની સમજણ આપશે.

વકતા પલક ભણશાળીએ જણાવ્યું હતું કે, આપણે બીજાનું સન્માન કરતા હોઇએ છીએ પણ તેની સાથે આપણે પોતાની જાત સાથે પ્રેમ કરવું પડશે. જ્યાં સુધી આપણે પોતાને પ્રેમ નહીં કરીશું ત્યાં સુધી અન્ય વ્યકિત આપણું સન્માન કયારેય કરશે નહીં. આપણે ઘર–પરિવાર, ઓફિસ તેમજ સમાજમાં શિસ્ત જાળવીને રહીશું તો અન્ય વ્યકિત આપણું માન જાળવશે. સ્કૂલમાં જે રીતે આપણને શિસ્તતા જાળવવા માટે શીખવવામાં આવતું હતું તેવી શિસ્તતા માત્ર સ્કૂલમાં જ નહીં પણ આપના જીવનમાં પણ રાખવી જોઇએ. શિસ્તતાનો અર્થ એ નથી થતો કે આપણે એકદમ ગંભીર થઇને જીવીએ પણ આપણી વર્તણૂંકને કારણે કોઇનું મન દુભાય નહીં તે બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડીલોના અનુભવોનું અવલોકન કરીને તેમનું માર્ગદર્શન લઇને પોતાના નિર્ણય પોતે જ લેતા શીખવું પડશે. પોતે લીધેલા નિર્ણય ઉપર અડીખમ રહેવું પણ શીખવું પડશે. તમારા જીવનમાં જે સારું અને ખરાબ થાય છે તેના માટે પોતે જ કારણભૂત છો તે સ્વીકારવું જોઇએ. વ્યકિત પોતાની હાલની પરિસ્થિતિ માટે પોતે જ કારણભૂત હોય છે. આ વાતને વ્યકિતએ જીવનમાં ગમે ત્યારે સ્વીકારવી જ પડે છે. એના માટે વ્યકિત કોઇ બીજાને દોષ આપી નહીં શકે. તેમણે કહયું કે, જીવનમાં અન્ય વ્યકિત સાથે પોતાની સરખામણી કયારેય કરવી જોઇએ નહીં. પોતાની જાતને ગઇકાલથી સરખાવવી જોઇએ. ગઇકાલે તમારી સ્થિતિ કેવી હતી અને આજે તમારી સ્થિતિ કેવી છે તેના વિશે વિચારીને પોતાની સ્થિતિ વધુ સારી કરવાની દિશામાં કાર્ય કરવું જોઇએ.

પલક ભંસાલીએ વધુમાં કહયું કે, ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બીજાનું સાંભળવા કરતા પોતે વધારે બોલીએ છીએ. એના કરતા બીજા વ્યકિતને વધારે સાંભળવું જોઇએ અને હંમેશા તેમાંથી નવું શીખવાનો અભિગમ રાખવો જોઇએ. આપણી પાસે રહેલા મોબાઇલ ફોન સહિતના ઇલેકટ્રોનિક ગેઝેટનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. પોતાને રિમાન્ડ કરવા માટે ગેઝેટનો ઉપયોગ કરવો જોઇએ. આંખોની સામે ટાઇમટેબલ રાખવો જોઇએ. રાત્રે ઉંઘતા પહેલાં પણ કામોનું લીસ્ટ બનાવી શકાય છે અને સવારે ઉઠતાની સાથે જ કામોને પ્રાયોરિટી પ્રમાણે ગોઠવી શકાય છે. જેથી કરીને તમારા મહત્વના કામો કેટલા સમયમાં તમારે પૂર્ણ કરવાના છે તે વિશે તમે સતત જાગૃત રહી શકો.

‘જાગ્યા ત્યારથી સવાર’ આ કહેવત વિશે તેમણે કહયું કે, જીવનમાં ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત રાખવી જોઇએ. નવા કામની શરૂઆત પણ તમે ગમે ત્યારે કરી શકો છો. નજર આકાશ પર રાખો પણ પગ જમીન પર હોવા જોઇએ. એનો અર્થ સમજાવતા તેમણે કહયું કે, જીવનમાં તમે ગમે તેટલા સફળ થઇ જાઓ. વિશ્વની દરેક ચીજવસ્તુથી તમે સંપન્ન થઇ જાઓ પણ તમારામાં કયારેય ‘અહમ’ની લાગણી ઉત્પન્ન થવી જોઇએ નહીં. સૌથી મહત્વની બાબત એ કે અન્ય વ્યકિત તમને માર્ગદર્શન આપી શકે છે, મદદ કરી શકે છે અથવા તો યોગ્ય દિશા નિર્દેશ કરી શકે છે પણ મહેનત તો તમારે જાતે જ કરવાની છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારનું સંચાલન કર્યું હતું. શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ વકતા પલક ભણશાળીના પિતા સીએ પ્રદીપ સિંઘીએ પણ વેબિનારમાં પ્રાસંગિક આશીર્વચન આપ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button