પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 34મો પ્રગતિ વાર્તાલાપ યોજાયો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે 34મા પ્રગતિ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની બેઠકમાં, વિવિધ પરિયોજનાઓ, કાર્યક્રમો અને ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે મંત્રાલય, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય તેમજ આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયની પરિયોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પરિયોજનાઓ કુલ અંદાજે રૂપિયા 1 લાખ કરોડની છે જે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ગુજરાત તેમજ દાદરા અને નગર હવેલીને સમાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત છે.
આ વાર્તાલાપ દરમિયાન, આયુષમાન ભારત અને જળ જીવન મિશન કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહક બાબતોના મંત્રાલય સંબંધિત ફરિયાદો હાથ પર લેવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ તમામ અધિકારીઓને ફરિયાદોનું વ્યાપક નિરાકરણ સુનિશ્ચિતપણે અને ઝડપથી લાવવા માટે તાકીદ કરી હતી. પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોને પડતર મુદ્દાઓના વહેલી તકે નિરાકરણ અને નિર્ધારિત સમયમાં લક્ષ્યો પૂરાં કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તમામ રાજ્યોએ વહેલામાં વહેલી તકે આયુષમાન ભારતમાં 100 ટકા નોંધણી માટે પ્રયત્નો આદરવા જોઇએ. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જળ જીવન મિશન અંતર્ગત નક્કી કરવામાં આવેલા લક્ષ્યો મિશન મોડ ધોરણે પ્રાપ્ત કરવા માટે ભાવિ યોજના ઘડવા પ્રોત્સાહન આપ્યું હતું.
અગાઉના 33 પ્રગતિ વાર્તાલાપોમાં તમામ 18 ક્ષેત્રોમાં 280 પરિયોજનાઓ સાથે 50 કાર્યક્રમો/યોજનાઓ અને ફરિયાદો હાથ ધરવામાં આવ્યા હતા.