બિઝનેસસુરત

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ બાદ ચેમ્બર દ્વારા તુરંત જ તેની છણાવટ માટે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ’ વિશે વેબિનાર યોજાયો

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બજેટ એનાલિસિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મંગળવાર, તા .૧ ફેબ્રુઆરી ર૦રર ના રોજ બપોરે ૧:૩૦ કલાકે ઝુમના માધ્યમથી ‘પોસ્ટ બજેટ એનાલિસિસ’ વિશે વેબિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત તરીકે સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનિકેત તલાટી અને આઇ.સી.એ.આઇ.ના વર્ષ ર૦ર૧-રર ના બોર્ડ ઓફ સ્ટડીઝ (એેકેડેમિક)ના ચેરમેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય છાયરાએ દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ ર૦રર–ર૩ ના બજેટ વિશે પોતપોતાનું એનાલિસિસ રજૂ કર્યું હતું.

વકતા સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, બજેટમાં કોઇપણ ટેકસ દર વધારવામાં આવ્યા નથી તે સારી બાબત છે. સહકારી ક્ષેત્રમાં સાડા અઢાર ટકા ટેકસ હતો એને ઘટાડીને પંદર ટકા કરવામાં આવ્યો છે. સાથે જ એના પરનો સરચાર્જ પંદર ટકાથી ઘટાડીને દસ ટકા કર્યો છે. બજેટમાં ટીડીએસમાં સરચાર્જ લાગુ પાડવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી ઉદ્યોગો ઉપર આર્થિક બોજ વધશે અને સરકારની આવકમાં વધારો થશે. રિટર્ન ફાઇલીંગ માટે સારી જોગવાઇ કરવામાં આવી છે. રિટર્ન ભર્યા પછી કરદાતા કોઇ આવક ઉમેરવાનું ભૂલી ગયા હોય તો તેઓ બે વર્ષની અંદર નવી આવક ઉમેરી અપડેટેડ રિટર્ન ભરી શકશે.

વકતા સીએ જય છૈરાએ જણાવ્યું હતું કે, એમ.એસ.એમ.ઇ. ભારતનું હૃદય છે. આથી બજેટમાં એમએસએમઇ માટે રૂપિયા છ હજાર કરોડની કરવામાં આવેલી જોગવાઇ આવકારદાયક છે. બજેટમાં ચાર જેટલા લોજિસ્ટીક પાર્કની જાહેરાત કરવામાં આવી છે. આ બાબત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાતની નદીઓને જોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડિજીટલ યુનિવર્સિટી માટે કરવામાં આવેલી જાહેરાત આવકારદાયક છે. રિન્યુએબલ એનર્જી માટે સોલાર પાવર માટેની જોગવાઇ ખૂબ જ સારી છે અને એની જરૂર પણ હતી. સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી જોગવાઇને કારણે સુરતના ઉદ્યોગકારો લાભ લઇ શકે તેમ છે.

ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના સભ્ય સીએ કમલેશ પંડયાએ વેબિનારનું સંચાલન કર્યું હતું અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર બુસ્ટર માટે ગતિ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં મહત્વના સાત જેટલા એરીયા આવરી લેવામાં આવ્યા છે. એના કારણે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને બુસ્ટ મળી રહેશે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે નવી પોલિસી તથા ટેકસ રિફોર્મ લાવવામાં આવી રહયા છે. જેનાથી એકસપોર્ટ વધારવા ગતિ મળી રહેશે.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરના ગૃપ ચેરમેન સીએ અનુજ જરીવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વેબિનારમાં વિવિધ સવાલોના જવાબ ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ પ્રગ્નેશ જગાશેઠ તથા ઉપરોકત વકતાઓ દ્વારા આપવામાં આવ્યા હતા. અંતે ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button