રૂ.૨૦ કરોડના ખર્ચે બારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાં રસ્તાઓ કામોનું ખાતમુહુર્ત કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર
સુરત: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાં રૂ.૨૦ કરોડના ખર્ચે રસ્તાઓના વિકાસકામોનું ખાતમુહુર્ત કરાયું હતું. જેમાં રૂ.૭ કરોડના ખર્ચે બારડોલીથી પલસાણા સુધીના ૫ કિમીના રોડ, રૂ.૪ કરોડના ખર્ચે એના ગામથી તુંડી અને કારેલી સુધીના ૧૦ કિમીના રસ્તા, તેમજ રૂ.૦૯ કરોડના ખર્ચે અરેક-સિસોદરા-પૂણી-સરભોણ સુધીના ૦૭ કિમીના રોડનું વાઈડનિંગ કરી મજબુતીકરણ કરવાંના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ અવસરે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોને વેગ આપ્યો છે. વિકાસમંત્રને છેવાડાના માનવી સુધી ગુંજતો કરીને સમસ્ત જનસમાજને વિકાસયાત્રામાં જોડયા છે. બારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાં રોડરસ્તાઓના સ્ટ્રક્ચર વાઈડનિંગ કરી મજબુતીકરણના કારણે યાતાયાત વધુ સુવિધાજનક બનશે. આ સાથે નગર અને ગ્રામજનોની માંગણી પણ સંતોષાઈ છે.