ગુજરાતદક્ષિણ ગુજરાતસુરતહેલ્થ એન્ડ બ્યૂટી

‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાકાર કરતી એલ.એન્ડ ટી કંપની

એલ એન્ડ ટી કંપનીએ તૈયાર કરેલા પ્રથમ બે 'મેડિકલ-ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટ' સુરતની સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલને અર્પણ કર્યા

  • હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા ૨૨ ઓક્સિજન જનરેશન યુનિટ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યા છેઃ

  • આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી તથા સાંસદશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ

  • પ્રત્યેક યુનિટ પ્રતિ મિનિટે ૭૦૦ લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છેઃ

સુરતઃ સમગ્ર ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, ત્યારે સુરતના હજીરા વિસ્તારની એલ.એન્ડ ટી. કંપની દ્વારા આજરોજ આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રી સી.આર.પાટીલ તથા દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં બે ઓક્સિજન જનરેટ યુનિટ શહેરની નવી સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલને અર્પણ કર્યા હતા.

‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાકાર કરતા એલ. એન્ડ ટી. કંપનીએ યુધ્ધના ધોરણે વિશ્વના વિવિધ દેશોમાંથી જરૂરી ચીજવસ્તુઓ મેળવીને હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરનારા ૨૨ ઓક્સિજન જનરેટર યુનિટોનું નિર્માણ કંપનીના હજીરા પ્લાન્ટ ખાતે કરવામાં આવી રહ્યું છે. જે પૈકી તૈયાર થયેલા પ્રથમ બે યુનિટોને આજે અર્પણ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. એક ઓક્સિજન યુનિટ પ્રતિ મિનિટે ૭૦૦ લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી આગામી સમયમાં હોસ્પિટલમાં જાતે જ ઓક્સિજન ઉત્પન્ન થવાથી ઓક્સિજનની જરૂરિયાતને પહોચી શકાશે. જ્યારે અન્ય યુનિટ ગુજરાત તથા અન્ય રાજ્યોની હોસ્પિટલોને ડોનેટ કરાશે. પ્રત્યેક ઓક્સિજન જનરેશન યુનિટ કમ્પ્રેસર, એર ઇન્ટેક વેસલ, ડ્રાયર, ઓક્સિજન જનરેટર અને ઓક્સિજન સ્ટોરેજ ટેંક ધરાવે છે, ‘પ્લગ અને પ્લે’ની ખાસિયત ધરાવતા આ યુનિટ એક વાર ઇન્સ્ટોલ થઈ ગયાં પછી તેના કમ્પ્રેસરમાં વાતાવરણની હવા નિશ્ચિત પ્રેશરથી ગણતરીની મિનિટોમાં પસાર થાય છે, ત્યારબાદ પાઈપ વાટે ઓક્સિજનનું પમ્પીંગ શરૂ થઈ જાય છે.

L&T company realizing the motto of 'Atmanirbhar Bharat'

નોંધનીય છે કે, એલએન્ડટીએ તબીબી ઉપકરણોની અછતને તાત્કાલિક દૂર કરવા માટે દક્ષિણ ગુજરાતમાં ૨૪ વેન્ટિલેટર પૂરા પાડ્યા હતા.. કંપની દ્વારા હાલની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રને મજબૂત કરવા માટે જરૂરી સંશાધનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ અવસરે ધારાસભ્યશ્રી મુકેશ પટેલ, નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રાગિણી વર્મા અને સ્મીમેર હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.વંદના દેસાઇ, એલ એન્ડ ટી કંપનીના સી.એ.ઓ. આતિક દેસાઈ, સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button