સુરત
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી
તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલાઓને ખેતી, પશુપાલન અને ગૃહવિજ્ઞાનની આપવામાં આવશે
સુરત: સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને અદાણી ફાઉન્ડેશન-હજીરાના સંયુક્ત ઉપક્રમે ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૯૨ મહિલાઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે કેવિકેના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડૉ.જનકસિંહ રાઠોડે મહિલા દિવસનું મહત્વ સમજાવતા દેશ અને રાજ્યની મહિલાઓએ કરેલા સંઘર્ષગાથા વર્ણવી ખેતી, પશુપાલન અને ગૃહવિજ્ઞાનના ક્ષેત્રે જરૂરી તમામ તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભવિષ્યમાં આપવામાં આવશે એમ જણાવ્યું હતું.
કેવિકે સુરતના ગૃહવિજ્ઞાન વિષયના નિષ્ણાત શ્રીમતી ગીતાબેન ભીમાણીએ રોજિંદા જીવનમાં ખોરાક સાથે વિટામિન અને મિનરલ્સની તંદુરસ્ત જીવનમાં ઉપયોગિતા અંગે ઝીણવટભરી વિગતો આપી. સાથે તેમણે બહેનોને વિવિધ પ્રોડક્ટ્સના વેલ્યુએડિશન માટે તાલીમબદ્ધ થઈ વધુ આવક મેળવવા માટે જાગૃત્ત થવાંનો અનુરોધ કર્યો હતો.
અદાણી ફાઉન્ડેશનના યુનિટ સીએસઆર હેડશ્રી હેમજીભાઈ પટેલે હજીરા કાંઠા વિસ્તારના ગામોમાં અદાણી ગ્રુપ દ્વારા આજીવિકા, આરોગ્ય, શિક્ષણ અને કોમ્યુનિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે થઇ રહેલી કામગીરી અને પરિવર્તન અંગે વાત કરતા જણાવ્યું કે, ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં નવીનતમ અભિગમ અપનાવી આવક વધારી શકાય છે.
દામકા અને વાંસવા ગામના મહિલા જૂથો દ્વારા નિર્મિત ગૃહઉદ્યોગની વિવિધ બનાવટોનું પ્રદર્શન તથા વેચાણ પણ કરાયું હતું. દામકાના રોશની સખી મંડળ દ્વારા ટૂંકા ગાળામાં રૂ.સિત્તેર હજારની બનાવટોનું વેચાણ કરાયું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.કાજલ માંગુકિયાએ મહિલાઓને આરોગ્ય સંબંધી સમસ્યાઓ પર ધ્યાન આપી સ્વસ્થ સમાજના નિર્માણ પર ભાર મુકવાની વાત કરી કન્યા કેળવણીને સમાજ માટે મહત્વની બાબત ગણાવી હતી. તાલુકા લાઈવલીહુડ મેનેજર ફાલ્ગુની દેસાઈએ સખી મંડળોને પગભર બનાવવા માટેની યોજનાકીય માહિતી આપી હતી.
આ પ્રસંગે આયોજિત ભારતીય વાનગીઓની સ્પર્ધામાં દેશી વાનગીઓથી રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ છોડીને ભારતીય વ્યંજનોને અપનાવવા પર ભાર મુક્યો હતો. વાનગી સ્પર્ધાના વિજેતાઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ઇનામો આપ્યાં હતાં.
આ કાર્યક્રમમાં સુરત જિલ્લા સંગઠન મહામંત્રી અને ભટલાઈ ગ્રામ પંચાયતના સરપંચ છોટુભાઈ પટેલ, નવનિર્વાચિત મહિલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.