સૂરત સિવિલમાં વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી
સુરત: વિશ્વ ટી.બી. દિવસ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલના ટી. બી વિભાગ દ્વારા ટી.બી નિયત્રંણ અને જન જાગૃતિના ભાગ રૂપે નર્સિંગ સ્ટાફની ૧૫ બહેનો સહીત ૫ તબીબોએ ‘ટી. બી. હારેગા દેશ જીતેગા’ ના નેમ ટેગ વાળો સેલ્ફી બોર્ડ તેમજ માસ્ક અને કેપ પહેરી સિવિલ હોસ્પિટલના પરિસરમાં જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરીને ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના કાળ વચ્ચે પણ ટી.બી. વિભાગની અદ્યતન સારવાર તેમજ વેન્ટિલેટર સહિતની સુવિધાઓ કાર્યરત છે. કોવિડના દર્દીઓમાં પણ ચેસ્ટ ફિઝિશિયન તબીબોનું મહત્વનું યોગદાન છે. તેની સાથે નર્સિંગ સ્ટાફ પણ સતત ચાર મહિનાથી ટી.બી. વોર્ડમાં ફરજ બજાવી ટી.બી.ના રોગને જડમૂળથી નાબૂદ કરવા સતત લડત આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ટી.બી વિભાગના રેસિડન્ટ તબીબો, નર્સિંગ સ્ટાફના સફળ પ્રયાસથી રિકવરી રેટ વધુ અને મુત્યુદર ઓછો રહ્યો છે.
ટી. બી. વિભાગના વડા ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેંફસા સંબંધી બિમારી હોવાથી કોરોનાની સાથે ટી.બી.ના દર્દીઓની સારવાર કરવી એ પણ અમારી નૈતિક ફરજ છે. સુરતમાં ૧૩,૦૦૦ ટી.બી.દર્દીઓ નોંધાયા છે. અને સમગ્ર ગુજરાતમાં ૧ લાખ ૨૦ હજાર ટી.બી.ના દર્દીઓ છે. ગુજરાતમાં ટી. બી.ની બીમારીથી પિડીત દર્દીઓમાં ૮૫ ટકા રિકવરી રેટ છે અને માત્ર ૪ ટકા મુત્યુદર છે.
ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા ક્ષય અધિકારી ડો. ધવલ રાઠોડ, નર્સિંગ અસોશિએશનના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા તેમજ દિનેશ અગ્રવાલે ટી.બી.વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી વિશ્વ ટી. બી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા સાયણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નર્સિંગ કોલેજની પ્રિન્સીપલ ઈન્દ્રાવતી રાવના માર્ગદર્શન અને કિરણ ડોમડિયાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી.ની બિમારી અંગેના માર્ગદર્શન આપતા પોસ્ટર બનાવી વિશ્વ ટી. બી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી.