પશ્ચિમ રેલ્વે મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી જશે
અમદાવાદ: મુસાફરોની બહુપ્રતીક્ષિત માંગને પહોંચી વળવા અને સુવિધા આપવા માટે, પ્રતિષ્ઠિત મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે, જેને માનનીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોષ દ્વારા ૨૪મી ડિસેમ્બર ૨૦૨૧થી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી તરુણ જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રેન નંબર ૧૨૦૦૯/૧૨૦૧૦ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને ૨૪મી ડિસેમ્બર,૨૦૨૧થી ગાંધીનગર કેપિટલ સુધી લંબાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર ૧૨૦૦૯ મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી વર્તમાન સમય ૦૬.૪૦ કલાકને બદલે ૦૬.૧૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ગાંધીનગર કેપિટલ ૧૩.૪૦ કલાકે પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નંબર ૧૨૦૧૦ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી ૧૪.૨૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૨૧.૨૦ કલાકના હાલના સમયને બદલે ૨૪મી ડિસેમ્બર,૨૦૨૧ના રોજ ૨૧.૪૫ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ઉપરોક્ત જોડી ટ્રેન રવિવાર સિવાયના તમામ દિવસોમાં ચાલે છે.આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને અમદાવાદ સ્ટેશનો પર ઉભી રહેશે.
માનનીય મેયર (ગાંધીનગર) શ્રી હિતેશ મકવાણા, DRM શ્રી તરુણ જૈન અને અન્ય અધિકારીઓ અને મહાનુભાવો મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ એક્સટેન્શનના ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા