જિલ્લા ચુંટણી તંત્રની મતદાન તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંતિમ તબક્કામાં
સરેરાશ ૧૪૦૦ મતદારોની ગણતરી મુજબ ઈ.વી.એમની ફાળવણી
સુરત: તા.૨૧ ફેબ્રુ.ના રોજ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, અઠવા, ઉધના, લીંબાયત, વરાછા-એ, વરાછા-બી, કતારગામ અને રાંદેર ઝોનના કુલ ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકોની ચૂંટણી યોજાશે. જિલ્લા ચુંટણી તંત્રની મતદાન તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. શાંતિપૂર્ણ, સરળતાપૂર્વક અને કોરોના માર્ગદર્શિકા અનુસાર મતદાન થાય તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ છે. મતદાન માટે પ્રત્યેક મતદાન મથકમાં સરેરાશ ૧૪૦૦ મતદારોની ગણતરી કરતાં જરૂરી ઈ.વી.એમની વ્યવસ્થા કરાઈ છે. જેમાં ૧૦% રિઝર્વ તથા ૫% તાલીમ માટેના ઈ.વી.એમ સહિત ૩૬૯૦ કંટ્રોલ યુનિટ, ૭૨૪૦ બેલેટ યુનિટ, જિલ્લામાં ઉપલબ્ધ વર્કીંગ કન્ડીશનમાં હોય તેવા ઈ.વી.એમ.માં ૪૦૦૦ કંટ્રોલ યુનિટ અને ૮૦૦૦ બેલેટ યુનિટ તેમજ વધારાના ૩૧૦ કંટ્રોલ યુનિટ અને ૭૬૦ બેલેટ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન)ના બે ભાગ હોય છે. એક ભાગ છે બેલેટ યુનિટ, જે મતદાતાઓ માટે હોય છે. જ્યારે બીજો ભાગ કંટ્રોલ યુનિટ હોય છે, જે પોલીંગ ઓફિસર માટે હોય છે. ઈવીએમના બંને ભાગ પાંચ મીટર લાંબા તાર સાથે જોડાયેલા હોય છે. બેલેટ યુનિટના નામથી જ સમજી શકાય છે કે આ યુનિટ દ્વારા મત નાંખવામાં આવે છે.