સૂરતના આઠ ઝોનમાં અઠવા ઝોન ૧,૫૯,૫૨૪ લોકોના રસીકરણ સાથે અવ્વલ નંબરે
સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી
સૂરત: કોરોનાના વધી રહેલા સંક્રમણ પર લગામ લગાવવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી છે. સુરત શહેરમાં અઠવા ઝોન ૧,૫૯,૫૨૪ લોકોના રસીકરણ સાથે અગ્રેસર રહ્યો છે. શહેરમાં કુલ ૮,૭૬,૦૨૧ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ૭,૦૯,૯૦૯ લોકોને પ્રથમ ડોઝ અને ૧,૬૬,૧૧૨ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ આંકડામાં શહેરમાં સમાવાયેલા નવા વિસ્તારોમાં ૨૦,૪૭૭ લોકોના રસીકરણનો પણ સમાવેશ થાય છે.
શહેરના અન્ય ઝોનના રસીકરણની વિગતો જોઈએ તો, સેન્ટ્રલ ઝોનમાં ૯૫,૬૮૬, વરાછા ઝોન-એમાં ૧,૦૬,૨૮૩ તેમજ વરાછા ઝોન-બીમાં ૭૬,૭૫૬, સાઉથ ઝોન-ઉધનામાં ૧,૦૦,૭૮૦, નોર્થ ઝોન-કતારગામમાં ૧,૦૬,૧૩૪, વેસ્ટ ઝોન-રાંદેરમાં ૧,૨૨,૨૯૧, સાઉથ ઈસ્ટ ઝોન-લિંબાયતમાં ૮૮,૦૯૦ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. કોરોના પ્રતિરોધક રસીનો ડોઝ લઈને કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.
સુરત મહાનગરપાલિકાના આસિ. કમિશનરશ્રી જયેશ ગાંધીએ જણાવ્યું હતું કે, અઠવા ઝોનના શહેરીજનોએ વેક્સિનેશન કામગીરીમાં પાલિકા તંત્રને સહકાર આપ્યો તે ખરેખર સરાહનીય છે. રસીકરણના શરૂઆતના તબક્કામાં રસી મૂકાવવા માટે લોકો અચકાતા હતા, પરંતુ કોરોનાની રસીની કોઈ આડઅસર ન જણાતા તેમજ હાલ વધી રહેલા કોરોના સંક્રમણમાં રસીકરણ અસરકારક શસ્ત્ર છે એવી સમજના કારણે લોકો રસી લેવા આગળ આવ્યા અને અન્ય લોકોને પણ રસી લેવા પ્રેરિત કરી રહ્યાં છે.