ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિના પ્રણેતા નિલેશ માંડલેવાલાને ગુજરાત સરકારનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર
“ગુજરાત ગરિમા એવોર્ડ” ગુજરાત ગૌરવ દિવસે પાટણ ખાતે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્દ હસ્તે એનાયત કરવામાં આવ્યો.
વર્ષો પહેલા માત્ર બિઝનેસમેન કે ચેમ્બરના પ્રમુખ તરીકે ઓળખાતા નિલેશભાઈની આ ઓળખ આજે અધુરી ગણાય છે. આજે તેઓ ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાન માટે ડોનેટ લાઈફના માધ્યમથી સંખ્યાબંધ લોકોના જીવનદાતા બની ગયા છે. એમના પિતાની વર્ષ ૧૯૯૭માં કિડની નિષ્ફળ થતા, વર્ષ ૨૦૦૪ થી તેઓનું નિયમિત પણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું. આ દરમિયાન તેઓ કિડનીના અન્ય દર્દીઓ અને તેમના પરિવારની તકલીફોથી માહિતગાર થયેલા. તેમના પિતાની કિડનીની બીમારી એક નવી ચેતના અને નવી દિશા નિલેશભાઈને માટે ઉઘાડી ગઈ અને એ હતી અંગદાનની.
વર્ષ ૨૦૦૫ થી તેમને અંગદાનની ઝુંબેશ ઉપાડી. એક તરફ કોઇનું સ્વજન ગયું હોય તેવા રૂદનભર્યા વાતાવરણમાં એમને અંગદાન વિશે સમજાવવું, રાજી કરવા કઈ સરળ કામ નથી. એ સમયે લોકોમાં અંગદાન અંગેની જાગૃતિના અભાવને કારણે જયારે તેઓ બ્રેનડેડ થયેલી વ્યક્તિઓના સ્વજનોને મળવા હોસ્પિટલ જતા ત્યારે લોકો અપશબ્દો બોલતા, મારવા દોડતા છતાં તેઓ હિંમત હાર્યા વગર ICU ની બહાર, હોસ્પીટલના પેસેજમાં ઉભા રહીને બ્રેનડેડ સ્વજનના પરિવારજનોને તેમના બ્રેનડેડ સ્વજનના અંગદાન કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યે રાખ્યો.
વર્ષ ૨૦૦૫માં સુરતથી અંગદાન-જીવનદાનની જ્યોત પ્રગટાવનાર નિલેશભાઈ માંડલેવાળા આજે અંગદાન ક્ષેત્રે ભારતભરમાં જાણીતુ નામ છે. ૨૦૦૬ માં કિડની અને લિવરદાનથી પ્રારંભાયેલુ આ અભિયાન ધીમે ધીમે પેનક્રિયાસ, હૃદય, હાડકા, ફેફસાં અને હાથોના દાન સુધી વિસ્તર્યુ છે. દાન કરાયેલા આ અંગો – અવયવો માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ યુ.એ.ઈ., યુક્રેન, રશિયા, સુદાન… જેવા દેશોના દર્દીઓમાં મુંબઈ તેમજ ચેન્નાઈની હોસ્પિટલોમાં પણ ટ્રાન્સપ્લાન્ટ થયા છે.
સત્તર વર્ષ પહેલા જ્યારે મોટા ભાગના વર્ગને બ્રેઈનડેડ ઍટલે શું? કયા કયા અંગોનુ દાન થઈ શકે? તેની માહિતી નહોતી. અજ્ઞાનતા, ડર, ધાર્મિક ગેરમાન્યતાઓને કારણે લોકો અંગદાન માટે આગળ નહોતા આવતા તેવા સમયે તેમણે અંગદાનના વિષયમાં સમાજમાં જે જનજાગૃતિ ફેલાવી એને કારણે લોકો અંગદાનનું મહત્વ સમજતાં થયા છે પરિણામે સમગ્ર રાજ્ય અને દેશમાં ધીમે ધીમે અંગદાનનુ પ્રમાણ વધી રહ્યું છે. આ દિશાના અથાક પ્રયત્નોને કારણે તેમને ગુજરાતમાં અંગદાનના પ્રણેતા પણ કહેવામાં આવે છે.
ભારતમાં ઘણી સંસ્થાઓ ઓર્ગન ડોનેશન ક્ષેત્રે કાર્યરત છે. પણ જે રીતે નિલેશભાઈએ આ કાર્યજ્યોત પ્રજ્વલિત રાખી છે તેના પરિણામે સુરત અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે મુઠ્ઠી ઊંચુ થયું છે.
અંગદાનની પ્રવૃતિમાં સુરત શહેર અને ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ અપાવનાર સુરત શહેર અને ગુજરાતનું ગૌરવ નિલેશ માંડલેવાલાએ અંગદાનની જનજાગૃતિની અલખ જગાવીને સુરત અને દક્ષીણ ગુજરાતમાંથી ૧૦૦૯ અંગો અને ટીસ્યુઓના દાન દ્વારા દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશના મળી કુલ ૯૨૨ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી આપવામાં સફળતા મેળવી છે.
તેમના આવા કાર્યની નોંધ લેતા માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ સાર્વજનિક મંચ પરથી નિલેશભાઈ અને તેમની સંસ્થા ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃતિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે “નિલેશભાઈ આપ આગળ વધો, ના કેવળ ગુજરાત પરંતુ સમગ્ર દેશ તમારી સાથે છે.”
હાલના વડાપ્રધાન અને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, કેડેવર અંગદાન દ્વારા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવા માટેના નિલેશભાઈના ઉમદા કાર્યો માટે પ્રશંસાપત્ર લખ્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા.
ગુજરાતનાં તે વખતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાર્વજનિક મંચ પરથી તેમની પ્રશંસા કરતાં જણાવ્યુ હતું કે ‘‘લોકોને જીવનદાન મળે એ માટે તમે જે સુદર કાર્ય કરો છો, તેને કારણે ગુજરાતની ગરિમા અને પ્રતિષ્ઠા વધી છે.’’
દેશમાં દર વર્ષે પાંચ લાખ થી વધુ દર્દીઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે ત્યારે આવા દર્દીઓની સહાયતા કરવા તથા તેઓમાં આશાનું કિરણ પ્રગટાવવા તેમજ નવજીવન આપવાના આશયથી ઓર્ગનમેન તરીકે જાણીતા થયેલા નિલેશ માંડલેવાલા પોતાનું જીવન આ ઉમદા કાર્ય માટે છેલ્લા સત્તર વર્ષથી સમર્પિત કરી ચુક્યા છે. જેની નોંધ ગુજરાત સરકારે લઇ ગુજરાત ગૌરવ દિવસે પાટણ ખાતે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્દ હસ્તે ગુજરાત સરકારનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર “ગુજરાત ગરિમા એવોર્ડ” એનાયત કરી શાલ, પ્રશસ્તીપત્ર અને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કર્યા હતા.