ડાયાબિટીસ અને હૃદયરોગની બિમારીથી પીડિત ૬૯ વર્ષીય જસબીરસિંહે ૩૫ દિવસના લાંબા સમયગાળા બાદ કોરોનાને આપી મ્હાત
આજે નવી સિવિલ હોસ્પિટલમાંથી ૩૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
સૂરતઃ વૈશ્વિક મહામારી કોરોનાનું એક વર્ષ પસાર થઈ ચુકયું છે ત્યારે ફરી વાર કોરોનાનું સંક્રમણ સુરત શહેરમાં વધી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના કોરોના યોધ્ધાઓ દિન-રાત કોરોના દર્દીઓને સ્વસ્થ કરીને હેમખેમ ઘરે પહોચાડી રહ્યા છે. શહેરના ભેસ્તાનમાં રહેતા ડાયાબિટીસથી પીડિત એવા જસબીરસિંહ રતનસિંહ સરદાર ૩૨ દિવસની સઘન સારવાર મેળવ્યા બાદ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે.
નિવૃત્ત જીવન ગાળતા જસબીરસિંહ મુળ હરિયાણાના અંબાલા શહેરના વતની અને હાલ ભેસ્તાનના અનીતા સંકુલ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે.
જસબીરસિંહે કહ્યું કે, સવા મહિના પહેલા અમે સહપરિવાર અમારા વતન હરિયાણામાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી ગુજરાત આવ્યા બાદ થોડા દિવસોમાં મને ખાસી તેમજ શ્વાસ લેવામાં તકલીફ જણાતા તા.૨૫મી ફેબ્રુઆરીએ સોનોગ્રાફી કર્યા બાદ કોરોના પોઝીટીવ આવ્યો. ઘરે હોમ આઈસોલેશન થયા બાદ તા.૨૭ ફેબ્રુઆરીની સવારે શ્વાસ લેવામાં વધુ તકલીફ પડતા મને સિવિલ કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરાયો. ત્યારે મારી સ્થિતિ એકદમ ગંભીર હતી. ૨૦૦૯માં મે એન્જીયોપ્લાસ્ટી પણ કરાવી હતી. મારું ઓક્સીજન લેવલ પણ ૪૦ ટકા જેટલું હતું, જેના કારણે મને ૫ દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. આટલા લાબા દિવસો બાદ તબીબોની સઘન સારવારને કારણે આજે હું સ્વસ્થતા અનુભવું છું. અમારો પરિવાર સિવિલ હોસ્પિટલના તબીબોનો ઋણી રહેશે. અમારી સારવાર તદ્દન નિ:શુલ્ક કરવામાં આવી છે જે બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
સારવાર કરનારા ડો.આદિત્ય ભટ્ટ કહે છે કે, જસબીરસિંહને પ્લાઝમા થેરેપી આપવામાં આવી હતી. શરૂઆતના દિવસોમાં તેમના શ્વેતકણ ૨૨૦૦૦ હતા જે હાલ સામાન્ય છે. આ સાથે તેમનું ડીડાયમર ૬૫૦૦ હતું જે હાલ ૩૫૦ થયું છે. તા.૩૧મી માર્ચના રોજ ૨.૦૦ વાગ્યા સુધીમાં નવી સિવિલ કોવીડ-૧૯ હોસ્પિટલમાંથી ૩૦ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા હોવાનું ડો. આદિત્યએ જણાવ્યું હતું.