સ્મીમેર હોસ્પિટલના તબીબોના પ્રયાસોએ અલથાણની સગર્ભા પરિણીતાને કોરોનામુક્ત કરી
દેવદૂત સમાન ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછેર લઇ રહેલા બાળકને મોતના મુખમાંથી ઉગારી: દર્દી શ્વેતાબેન પટેલ
સુરતઃ ‘હું અને મારો પરિવાર સ્મીમેર હોસ્પિટલના ઋણી છીએ. મને બે દિવસ બાયપેપ પર રાખવામાં આવી ત્યારે હું હિંમત હારી ગઈ હતી. પરંતુ દેવદૂત સમાન ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછરી રહેલા બાળકને સ્વસ્થ કર્યા છે. મારી પાસે એમનો આભાર માનવા કોઈ શબ્દો નથી…’ આ શબ્દો છે કોરોનામુક્ત થયેલા શ્વેતાબેનના કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો, યુવાનો અને મધ્યમવયના લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, આવા વિકટ સમયમાં સૂરતની સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલથી સ્મીમેર હોસ્પિટલમાં રિફર કરાયેલા અલથાણના સગર્ભા પરિણીતા શ્વેતાબેન પટેલને યોગ્ય સારવાર આપી કોરોનામુક્ત કર્યા છે. કોરોના મહામારીમાં સતત ફરજ નિભાવી રહેલાં સ્મીમેરના તબીબો ફરી એક વાર એક ગર્ભવતી મહિલાને કોરોનામુક્ત કરતા પેટમાં ઉછેર લઇ રહેલા બાળકને પણ નવજીવન મળ્યું છે.
સ્મીમેરના કોવિડ ૧૯ વોર્ડમાં ફરજ બજાવતાં ડો.કમલ નાયકે જણાવ્યું હતું કે, ગત તા. ૧૧ એપ્રિલના રોજ અલથાણના પટેલ પરિવારના ચાર મહિનાની પ્રેગ્નેન્સી ધરાવતા શ્વેતાબેન અક્ષયભાઇ પટેલને કોરોના સંક્રમણ થતા પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં સ્મીમેરમાં લાવવામાં આવ્યા હતા, જેમને સારવાર માટે તાત્કાલિક કોવિડ ૧૯ વોર્ડમાં દાખલ કરી બે દિવસ બાયપેપ પર રાખી ઓક્સિજન લેવલમાં વધારો થતા ૧૦ લિટર ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. સરકારની ગાઇડ લાઇન પ્રમાણે રેમડેસિવિર ઈન્જેકશન પણ આપવામાં આવ્યા હતા. કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી ટીમમાં ડો.નિલેશ ડોક્ટર, ડો.રિયા, ડો.દેવશ્રી, ડો.ખુશાલી, ડો.તુષાર, ડો.ડેઇઝી અને ડો.રવિએ ગર્ભવતી મહિલા શ્વેતાબેનની દેખરેખ રાખી કોરોમુક્ત કરવામાં યોગદાન આપ્યું હતું. શ્વેતાબેન સ્વસ્થ થઈ જતાં તા.૧૮ એપ્રિલના રોજ રજા આપવામાં આવી હતી.
સ્મીમેર હોસ્પિટલ ગાયનેક વિભાગના રેસિડેન્ટ ડો.જિતેશ શાહના માર્ગદર્શન હેઠળ કોરોનાની સારવાર સાથે ગાયનેક વિભાગની ટીમનાં ડો.અર્ચિલ દેસાઇ, ડો.જાહ્નવી, ડો.ઝરણા અને ડો.હેત્વી દ્વારા ઉદરમાં ઉછરી રહેલા બાળકને પણ કોઈ સમસ્યા ન સર્જાય એ પ્રકારે સારવાર આપવામાં આવી હતી.
કોરોનામુક્ત થયેલા શ્વેતાબેન પટેલે તબીબોનો આભાર વ્યકત કરતાં જણાવ્યું કે, ‘ મને જાતે સ્વસ્થ થવાની સાથે સાથે મારા ઉદરમાં ઉછરી રહેલા બાળકની પણ ચિંતા સતાવતી હતી. મને અહીં એક પરિવાર જેવી હુંફ મળી છે એ હું બૂલી નહી શકુ…અહીં તદ્દન વિનામૂલ્યે સારવાર મળી છે.’ એમ તેઓ ઉમેરે છે…
હજારો કોરોના દર્દીઓને સ્વસ્થ કરીને સહીસલામત ઘરે મોકલનારા સરકારી કોવિડ હોસ્પિટલના મહેનતુ ડોકટરો ઈશ્વરીય કાર્ય કરી રહ્યાં છે એવું શ્વેતાબેનના પતિ અક્ષય પટેલે જણાવ્યું હતું. ધન્ય છે આ ફરજનિષ્ઠ તબીબો-આરોગ્ય કર્મિઓને…