ચેમ્બર દ્વારા ટીબી વિશેની ગેરમાન્યતાઓ તથા તેની સચોટ સારવાર વિશે ઔદ્યોગિક કારીગરોને જાગૃત કરાયા
સુરત મહાનગરપાલિકાના સહયોગથી ઉદ્યોગ / ફેકટરી વિગેરેને ‘ટીબી ફ્રી વર્કપ્લેસ’ બનાવવા માટે ઉદ્યોગકારોને ચેમ્બરના પ્લેટફોર્મ પરથી અપીલ કરવામાં આવી
ટીબીના કારણે દર ત્રણ મિનિટે બે વ્યકિત મૃત્યુ પામે છે, જે કોરોના કરતા પણ વધુ છે. આથી ટીબીને વર્ષ ર૦રપ સુધીમાં નાબુદ કરવા માટે લોકોમાં વધારે જનજાગૃતિ લાવવાની તથા તમામ સેકટરના સંયુકત પ્રયાસોની જરૂર છે : નિષ્ણાંતો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧ર માર્ચ ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ટીબી વિશેની ગેરમાન્યતાઓ, સુરત મહાનગરપાલિકાની સેવાઓ અને સરકારની યોજનાઓ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ડો. કે.એન. શેલડીયા, ડો. પારૂલ વડગામા અને ડો. સમીર ગામીએ ઔદ્યોગિક વિસ્તારના કામદારોને ટીબી વિશેની ગેરમાન્યતાઓ, તેની સચોટ સારવાર, ઉત્તમ ગુણવત્તા સભર દવાઓની વિનામૂલ્યે ઉપલબ્ધતા, ડિજીટલ ટેકનોલોજી દ્વારા સારવારનું મોનીટરીંગ (ઠઠ મફતકલ ોભચો) તથા સરકારની યોજના વિશે માહિતી આપી હતી.
સુરત મહાનગરપાલિકાના સીટી ટીબી ઓફિસર ડો. કે.એન. શેલડીયાએ જણાવ્યું હતું કે, ટીબી હવા દ્વારા ફેલાતો ચેપી રોગ છે. ખાંસી, તાવ, વજન ઓછું થવું, રાત્રે ઉંઘમાં પરસેવો, છાતીમાં દુઃખાવો, જેવા લક્ષણો હોય તો ટીબીની તપાસ કરાવવી જોઇએ. ગળફાની તપાસ તથા એકસ–રે તપાસ વિનામૂલ્યે સુરત મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. કોઇ પણ વ્યકિત વિનામૂલ્યે તપાસ કરાવી શકે છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ, ટેકસટાઇલ ઉદ્યોગ જેમાં વધારે લોકો કામ કરે છે તેમણે વર્ષમાં બે વખત સ્ક્રીનીંગ / તપાસ કરાવવી જોઇએ. નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દરેક દર્દીઓને રૂ. પ૦૦ પ્રતિ માસ આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે ભારતમાં પાંચ લાખ લોકો ટીબીના કારણે મૃત્યુ પામે છે. દર ત્રણ મિનિટે બે વ્યકિત મૃત્યુ પામે છે, જે કોરોના કરતા પણ વધુ છે. આથી ટીબીને મટાડવા માટે વધારે જનજાગૃતિ લાવવાની તથા તમામ સેકટરના સંયુકત પ્રયાસોની જરૂર છે. તો જ ટીબીને વર્ષ ર૦રપ સુધીમાં નાબુદ કરી શકાશે. ટીબી માટેની ખુબ મોંઘી દવાઓ બીડાકવીલીન વિગેરે પણ સરકાર દ્વારા વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. તેમણે ઉદ્યોગકારોને અપીલ કરી હતી કે, તેમના ઉદ્યોગ / ફેકટરી વિગેરે ‘ટીબી ફ્રી વર્કપ્લેસ’ બને તે માટે સજાગતા તથા સતર્કતા અને સુરત મહાનગરપાલિકા સાથે સહયોગની ખૂબ જરૂરિયાત છે. શહેરના કોઇ પણ આરોગ્ય કેન્દ્ર પર જઇને ટીબીનું નિદાન, તેની સારવાર અને સપોર્ટ વિનામૂલ્યે મેળવી શકાય છે.
ડો. પારૂલ વડગામાએ ટીબી વિશેની ગેરમાન્યતાઓ, ટીબીની ગંભીરતા તથા તેની સારવાર વિશે ઔદ્યોગિક કામદારોને માહિતગાર કર્યા હતા. જ્યારે ડો. સમીર ગામીએ ટીબી રોગને જનભાગીદારીથી કેવી રીતે અટકાવી શકાય ? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બરના ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરની લેડીઝ વીંગના જોઇન્ટ સેક્રેટરી સ્વાતિ જાનીએ સેમિનારનું સંચાલન કર્યું હતું.