સુરત ખાતે તા.૫ થી ૭ માર્ચ દરમિયાન બોડી બિલ્ડીંગ અને પાવર લિફટીંગ સ્પર્ધા યોજાશે
યુવાનોને ડ્રગ્સ, સ્મોકિંગ તેમજ આલ્કોહોલથી દુર રાખી સ્વસ્થ અને સશક્ત બનાવવાનો ઉદ્દેશ: પોલીસ કમિશનર અજય તોમર
સુરત: સુરત શહેર પોલીસ અને ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસો. તથા ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે તા.૫ થી ૭ માર્ચ દરમિયાન સુરત ખાતે ત્રિદિવસીય બોડી બિલ્ડીંગ અને પાવર લિફટીંગ સ્પર્ધા યોજાશે. સાથોસાથ પોલીસ જવાનો માટે પણ મિ.ગુજરાત અને મિ.પોલીસ સ્પર્ધા યોજાશે. જે સંદર્ભે પોલીસ કમિશનરશ્રી અજય તોમરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળે અને યુવાનો સશક્ત અને ઊર્જાવાન બને એ આશયથી સુરતમાં બોડી બિલ્ડીંગ અને પાવર લિફટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ ભાગ લઇ શકે છે. આ પ્રકારના આયોજન દ્વારા છેલ્લા ૬ મહિનાથી સુરતને ડ્રગ્સ ફ્રી સિટી બનાવવા ‘નો ડ્રગ્સ ઇન સુરત’ ઝુંબેશને વેગ મળશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવાનોને ડ્રગ્સ, સ્મોકિંગ તેમજ આલ્કોહોલથી દુર રાખી વધુ ને વધુ સ્વસ્થ અને સશક્ત બનાવવાનો છે.
શ્રી તોમરે વધુમાં જણાવ્યું કે, ફરજિયાત માસ્ક, સેનિટાઇઝેશન અને સંપૂર્ણ કોરોના ગાઈડલાઈન્સ સાથે યોજાનાર આ સ્પર્ધામાં પાવર લિફટીંગની ૬ અને બોડી બિલ્ડીંગની ૮ કેટેગરી છે. પ્રત્યેક કેટેગરીમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય એમ ત્રણ ક્રમના વિજેતાઓને ઇનામ અપાશે. કુલ ૦૪ લાખના રોકડ ઇનામો સહિત કુલ રૂ.૭ લાખથી વધુના પુરસ્કારો આપવાંમાં આવશે. આ સાથે મિ.ગુજરાત અને મિ.પોલીસ તેમ બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે. જેમાં મિ. ગુજરાતને ૧,૧૧,૦૦૦ નો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. સ્પર્ધાના અંતિમ દિવસ તા.૭ ના રોજ સ્પર્ધાના અંતિમ દિવસે પદ્મશ્રી અને મિ.યુનિવર્સ પ્રેમચંદ ડેગરા વિશેષ ઉપસ્થિત રહી વિજેતાઓને પ્રોત્સાહિત કરશે.
તેમણે ‘ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત અને ફિટ સુરત’ના લક્ષ્યને સાકાર કરવાં માટે સ્પર્ધામાં વધુમાં વધુ યુવાનો ભાગ લેવા આહ્વાન કર્યું હતું. પોલીસ જવાનો સ્વસ્થ હશે તો તેની હકારાત્મક અસર સમાજ પર પડશે. સુરત શહેર જે ટેક્સટાઈલ અને ડાયમંડ હબ તરીકે ઓળખાય છે, તે હવે સ્વસ્થતામાં પણ મોખરે આવે તેવી આશા કમિશનરશ્રીએ વ્યક્ત કરી હતી.