અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા કાંઠા વિસ્તારના ગામોના લાભાર્થે મેડિકલ કેમ્પ યોજાયો
સુરત: અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા હજીરા કાંઠા વિસ્તારના આઠ ગામોમાં ઘરઆંગણે આરોગ્ય સુવિધા મળી રહે તે માટે સ્ત્રી રોગ મેડિકલ કેમ્પ યોજાયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સુવાલીના સહયોગથી સુરતના જાણીતા સ્ત્રીરોગ વિષેશજ્ઞ ડો.કાજલ માંગુકીયા વડપણ હેઠળ આયોજિત આ ગાયનેક કેમ્પમાં ૭૫ જેટલી મહિલાઓએ આરોગ્યલક્ષી સમસ્યાઓનું નિરાકરણ અને નિદાન-સારવાર મેળવી હતી.
આ કેમ્પના હેતુ વિષે યુનિટ સીએસઆર હેડશ્રી હેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓને તેમની આરોગ્યની સમસ્યા માટે દવાખાના સુધી જવું ન પડે, બલકે તેઓને તેમના ઘરઆંગણે સારવાર અને નિદાન કરી તેમને જરૂરી દવા આપી શકાય તે માટે આ પ્રકારના કેમ્પ અવારનવાર યોજવામાં આવે છે.
આ પ્રસંગે અદાણી હજીરા પોર્ટના ડે.જનરલ મેનેજર ભાવેશ ડોંડા, સરપંચ નયનાબેન રાઠોડ, પૂર્વ સરપંચ બાબુભાઇ આહીર તેમજ સુવાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. ઠાકુર, આરોગ્ય કાર્યકર્તાઓ, આશા વર્કર અને સંગિની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.