સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલની શનિવાર, તા. ર૩ એપ્રિલ, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, સરસાણા ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરની વિમેન આંત્રપ્રિન્યોર સેલની ૪૦ જેટલી મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. આ વખતે વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ફન અને ગેમની સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કરીને મહિલા સાહસિકો એકબીજાને ઓળખે અને એકબીજાને સારો બિઝનેસ આપી શકે. આ હેતુથી યોજાયેલી મિટીંગમાં મહિલા સાહસિકોએ એકબીજાના બિઝનેસનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.
સામાન્યપણે પોતાનું બિઝનેસ પ્રેઝન્ટેશન રજૂ કરવું સરળ હોય છે પણ બીજાના બિઝનેસને સમજીને તેના વિશે પ્રેઝન્ટેશન કરવું થોડું મુશ્કેલ હોય છે. આથી આ મિટીંગમાં વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. મનિષા વ્યાસ અને પ્રોજેકટ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર વિજય રાદડીયાને જજ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. મહિલા સાહસિકો દ્વારા એકબીજાનું પ્રેઝન્ટેશન રજૂ કરાયા બાદ જજ દ્વારા ત્રણ સાહસિકોને પ્રાઇઝ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ પ્રાઇઝ સુનિતા નંદવાનીને મળ્યું હતું. જ્યારે જ્હાનવી શ્રોફ અને પ્રિયા સોમાણીને અનુક્રમે બીજું અને ત્રીજું પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલમાં ટેક્ષ્ટાઇલ, ગારમેન્ટ, ઓટોમોબાઇલ, ડાયમંડ, એનજીઓ, ઇન્સ્યુરન્સ, ગૃહ ઉદ્યોગ, પેઇન્ટીંગ, ડોકટર્સ, વકીલાત, એન્જીનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટ્રેડર્સ, ફૂડ મેન્યુફેકચરર્સ અને જ્વેલરી મેન્યુફેકચરર્સ જેવા ઉદ્યોગો સાથે સંકળાયેલી મહિલા સાહસિકો જોડાયેલી છે. આ બધી સાહસિકોએ ગૃપમાં એકબીજાને ખૂબ જ સારો બિઝનેસ અપાવ્યો છે અને વધુ બિઝનેસ અપાવવા માટે પ્રયત્નશીલ બની છે.
ચેમ્બરના ઇલેકટ વાઇસ પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયાએ મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરી હતી. ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ વિમેન આંત્રપ્રિન્યોર સેલની કામગીરી તથા તેના રોડમેપ વિશે માહિતી આપી હતી. જ્યારે વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ મિટીંગમાં સ્વાગત પ્રવચન કરી મહિલા સાહસિકોએ ઇન્ટરનેશનલ ફેરમાં ભાગ લેવાનું ખૂબ જ જરૂરી હોવાથી તેઓ કેવી રીતે ભાગ લઇ શકે છે ? તે અંગે માહિતી આપી હતી. સાથે જ તેમણે ઇન્ટરનેશનલ બિઝનેસ ટૂરની પણ માહિતી આપી હતી.
ઉપરોકત મિટીંગનું સમગ્ર સંચાલન વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ કર્યું હતું. મિટીંગમાં ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમાબેન નાવડિયા તથા સેક્રેટરી મનિષા બોડાવાલા અને જોઇન્ટ સેક્રેટરી સ્વાતિ જાની પણ ઉપસ્થિત રહયા હતા. અંતે વિમેન આંત્રપ્રિન્યોર સેલના કો–ચેરપર્સન કૃતિકા શાહે સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.