સુરત

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

  • મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં
  • કોરોનાગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા: ડો.ધવલ પટેલ

 

સુરત : સુરત મહાનગરપાલિકાની તા.૨૧મી ફેબ્રુના રોજ યોજાનાર ચુંટણી સંદર્ભે સુરત શહેર ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટરાલયના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
તેમણે શહેરમાં ચૂંટણી સંબંધિત કામગીરીની પ્રગતિ અને ચૂંટણી પ્રક્રિયાના સુવ્યવસ્થિત આયોજનની વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં મતદાન માટે ૯૬૭ બિલ્ડીંગ અને ૩૧૮૫ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના ૩૦ વોર્ડના ૩૨,૮૮,૩૫૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દરેક મતદાન મથક દીઠ સરેરાશ ૧૦૩૨ મતદારો નોંધાયા છે. ૩૦ વોર્ડમાં ૧૫ આર.ઓ. ફરજ બજાવશે. ઈ.વી.એમ. અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને તાલીમ પૂર્ણ કરી ફરજ સોંપી દેવામાં આવી છે. જેઓ આજે તા.૨૦ મીના રોજ ફરજના સ્થળે રવાના થશે. તા.૨૩મી ફેબ્રુ.એ શહેરમાં એસ.વી.એન.આઈ.ટી. કોલેજ અને સરકારી ઈજનેરી કોલેજ, મજૂરા ગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે. આર.ઓ. દ્વારા ડિસ્પેચીંગ સેન્ટરો પર ઈ.વી.એમ. અને મેનપાવરને ફરજ સોંપણીની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

ડો.ધવલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકે તે માટે ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાની ચૂંટણી પંચ અને વહીવટીતંત્રની ફરજ છે. મતદાન એ આપણા સૌનો અબાધિત અધિકાર છે, ત્યારે કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ કોરોનાગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ પોઝીટીવ વ્યક્તિ મતદાન મથકે રાજ્ય સરકારની નિયત માર્ગદર્શિકાનું પાલન થાય તે રીતે મતદાન કરવા માટે જઈ શકશે. મતદાનના દિવસે જ મતદાન કરવાં માટે સ્વસ્થ છે એવું તબીબી પ્રમાણપત્ર સરકારમાન્ય તબીબી અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. તબીબી પ્રમાણપત્ર મેળવી મેડિકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે એમ્બ્યુલન્સમાં પી.પી.ઈ.કીટ પહેરીને જ મતદાન મથકે સાંજના સમયે છેલ્લા કલાક દરમિયાન જ મતદાન માટે પહોંચવાનું રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

ચૂંટણીપ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવશે, તેમજ મતદાન કેન્દ્ર પર સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાન મથકે કાર્યરત દરેક કર્મચારી તેમજ મતદારોની થર્મલ ગનથી ચકાસણી કરવામાં આવશે એમ જણાવી કલેક્ટરશ્રીએ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં આદર્શ આચારસંહિતા ભંગ કરશે તો નિયત ગાઈડલાઈન્સ મુજબ પગલાં લેવામાં આવશે એમ ઉમેર્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર અને નોડલ અધિકારીશ્રી એસ.ડી.વસાવા સહિત ચૂંટણીતંત્રના અધિકારીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
-૦૦-

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button