સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘સ્ટોક માર્કેટ, ધ બેસ્ટ બિઝનેસ’વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના નિવૃત્ત સેકશન ઓફિસર ઉપેન્દ્ર ઉપાધ્યાય દ્વારા પરંપરાગત વ્યવસાય અને જરૂરિયાતો, પરંપરાગત વ્યવસાયમાં રહેલું જોખમ, શેરબજાર કેવી રીતે શ્રેષ્ઠ છે?, શેરબજારમાં રહેલું જોખમ અને નિરાકરણ તથા શેરબજારમાં રોકાણ માટેની કેટલીક મૂળભૂત બાબતો વિશે રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પગારથી વ્યકિત માત્ર પેટ ભરી શકે છે પણ સપના પૂરા થતા નથી. એટલે પગાર સિવાય સાઇડ ઇન્કમ ઉભી થાય તે અંગે પ્રયાસ કરવા પડે છે. આથી સપના પૂરા કરવા માટે શેરબજારમાં રોકાણ કરવું એ બેસ્ટ બિઝનેસ છે. જો કે, લોકોના મગજમાં શેરબજારની ખોટી બીક જોવા મળતી હોય છે. જો સમજી વિચારીને શેરબજારમાં રોકાણ કરવામાં આવે તો વ્યકિત સારી એવી સાઇડ ઇન્કમ ઉભી કરી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શેરબજાર સિવાયના બિઝનેસમાં પણ રિસ્ક હોય જ છે તેમ છતાં લોકો બિઝનેસ કરતા હોય છે અને એમાં આગળ પણ વધતા હોય છે. લોકડાઉનની પરિસ્થિતિ દરમ્યાન શેરબજારમાં જે ફિગર આવ્યા છે તે પ્રમાણે નવા દસ લાખ ડિબેટ એકાઉન્ટ ખુલ્યા છે. લોકોએ બિઝનેસ તરીકે શેરબજારમાં રોકાણ કર્યું છે. કોઇપણ પ્રકારનું વાતાવરણ, સ્ટ્રાઇક અથવા કોરોના જેવી બિમારીની વિપરીત અસર શેરબજાર ઉપર જોવા મળતી નથી.
રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરતા પહેલા તેનું બેઝીક નોલેજ મેળવવા તેમણે સલાહ આપી હતી. તેમણે કહયું હતું કે, શેરબજારમાં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટને સમજી શકાય તો એ વધારે હિતાવહ હોય છે. રોકાણ કયાં – કયાંથી મેળવી શકાય? તેના માટે બીએસસી ઇન્ડિયા અને બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જની સાઇડનો અભ્યાસ કરી શકાય છે. શેરબજારમાં રોકાણ કરો ત્યારે લાલચમાં પડવું નહીં. એક રૂપિયાના સવા રૂપિયા થાય એટલે સંતોષ માનીને આગળ વધવું જોઇએ. ‘શ્રી સવા’ના નિયમથી શેરબજારમાં રોકાણ કરશો તો કયારેય પણ નુકસાન થશે નહીં. વધુમાં તેમણે ટ્રેડીંગ અને ઇન્વેસ્ટમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ સેમિનારમાં ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની કેપીટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન ઐયુબ યાકુબઅલીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતે કમિટીના કો–ચેરમેન દિપેશ પરીખે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.