કોરોના સંક્રમણના કપરાકાળમાં યત્કિંચિત્ સહયોગ અને લોકજાગૃતિ માટે સંતો-મહંતો-ધર્મગુરુઓને આગળ આવવા રાજ્યપાલશ્રીની આગ્રહભરી અપીલ
- સંતો-મહંતો-ધર્મગુરુઓએ સંસ્થાના ઉપલબ્ધ સંસાધનોનો કોરોના સારવાર માટે ઉપયોગ કરવા, મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાં સહયોગ આપવા, લોકજાગૃતિ કેળવવા અને જરૂર પડ્યે સ્વયંસેવીઓની સેવા આપવા ઉત્સાહ દર્શાવ્યો
- પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કોરોના સંક્રમણ સામેની લડાઈમાં સંતો-મહંતોના સહયોગ અને માર્ગદર્શન હેતુથી યોજાઇ વિડીયો કોન્ફરન્સ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે કોરોના સંક્રમણની આપદાના સામના માટે સંતશક્તિના આશીર્વાદની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કોરોના સંક્રમણ સામેની લડાઈમાં સંતો-મહંતો-ધર્મગુરુઓના સહયોગ અને માર્ગદર્શન હેતુથી એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયભરના સંતો-મહંતો-ધર્મસંસ્થાના વડાને સંબોધન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાણીમાત્રના કલ્યાણ માટે જીવન સમર્પિત કરનારા સંતો-મહંતોને મન લોક-કલ્યાણ જ સર્વોપરી હોય છે.
કોરોના સંક્રમણના કપરા કાળમાં સંતો-મહંતો અને ધર્મગુરુઓને યત્કિંચિત્ સહયોગ અને લોકજાગૃતિ માટે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવા રાજ્યપાલશ્રીએ આગ્રહભરી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજભવન દ્વારા “કોરોના સેવા યજ્ઞ” શરૂ કરાયો છે. એક લાખ પાયાના ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને બે મહિનાના રાશન-જીવન જરૂરી ચીજ-વસ્તુઓની કીટ પહોંચાડવાના અભિયાન સાથે તેમનો જુસ્સો વધારવા સેલિબ્રિટિઝ અને અગ્રણીઓ પણ આગળ આવી રહ્યા છે ત્યારે સંતો-મહંતો અને ધાર્મિક વડાઓ પોતાના ઉપલબ્ધ સંસાધનોનો કોરોના સારવાર માટે ઉપયોગ કરવા સહયોગ આપે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીઓના રાહત ફંડમાં સહયોગ, કોરોના સામે લોકજાગૃતિ કેળવવા અને જરૂર પડ્યે સ્વયંસેવીઓની સેવા આપવા રાજ્યપાલશ્રીએ સાદર અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત આદરણીય સંતો-મહંતો, ધાર્મિક સંસ્થા વડાઓએ કોરોના સંક્રમણના સામના માટે પૂર્ણ સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી.
આ પ્રસંગે યાત્રાધામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ સંતોના વચનોનું વજન વધારે હોય છે તેમ જણાવી કોરોના સંક્રમણ સામે સંતો-મહંતો-ધર્મગુરુઓ લોકજાગૃતિ માટે યોગદાન આપે અને વધુને વધુ લોકો રસીકરણ માટે પ્રેરિત થાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આ ચિંતન બેઠકમાં જૈન સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, મુસ્લિમ સમાજ, શીખ સમાજ, ખ્રિસ્તી સમાજના વડા ઉપરાંત પ્રતિષ્ઠિત ધર્મ સંસ્થાના વડાએ ઉપસ્થિત રહીને પોતાના બહુમૂલ્ય અભિપ્રાય આપ્યા હતા. રાજ્યપાલશ્રીએ સૌનો આભાર માન્યો હતો, બેઠકમાં પ્રવાસન વિભાગના અગ્રસચિવ શ્રીમતી મમતા વર્મા અને સચિવ શ્રી જે. પી. બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.