કેરલાના રાજયપાલ આરીફ મોહંમદ ખાને બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લિધી
સુરતઃ કેરલા રાજયના રાજયપાલ આરીફ મોહંમદ ખાને સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લિધી હતી.
આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે, બારડોલી આશ્રમએ રાષ્ટ્રીય તીર્થભૂમિ છે. અહીની મુલાકાત વેળાએ રાષ્ટ્રની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલીદાનો યાદ તાજી થાય છે. અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોમાંથી દેશને આઝાદ કરવા માટે અનેક વિરોએ પોતાના બલિદાનો આપ્યા છે. લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને તપસ્યાથી આઝાદી મળી છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિ પર આઝાદી સાથે સંકળાયેલા સ્મૃતિ સ્થાનોની મુલાકાતથી નવા આત્મવિશ્વાસ અને આત્મબળનો સંચાર થાય છે. તેમના બલિદાનોને યાદ કરી નવી પેઢી આઝાદીના ઇતિહાસની સમજી તેમાથી પ્રેરણા લે તેવા આશયથી આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સત્યાગ્રહીઓને સ્મરણાંજલિ આપવા એકવાર સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાત લેવાનો અનુરોધ રાજયપાલશ્રીએ કર્યો હતો.
રાજયપાલશ્રીએ સરદાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કરતા પોતાના માટે નહી અન્યોના માટે જીવવાની શીખ આપી હતી.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઇ પટેલ, સ્વરાજ આશ્રમ પ્રમુખશ્રી ભીખાભાઈ પટેલ, માનદમંત્રી નિરંજનાબેન, પ્રાંત અધિકારીશ્રી રબારી, નાયબ પો.અધિક્ષક રૂપલબેન સોલંકી, મામલતદાર, ચીફ ઓફિસર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.