સુરતહેલ્થ એન્ડ બ્યૂટી
કોમોર્બિડ સ્થિતિ ધરાવતાં ૭૭ વર્ષીય વડીલ કૈલાશભાઈ છાબડાએ કોરોના પ્રતિકારક રસી મુકાવી
કોરોનાની રસી દરેક વરિષ્ઠ નાગરિકો લેવી જોઇએ, કોઇ આડ અસર થતી નથી : કૈલાશભાઇ
સૂરત: રાજ્યવ્યાપી કોરોના પ્રતિરોધક રસીકરણના ભાગરૂપે સુરત આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણના બીજા તબક્કાની શરૂઆત તા.૧લી માર્ચથી કરવામાં આવી હતી. જે અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને કોરોનાવિરોધી રસીકરણનો લાભ મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, પાલિકાના હેલ્થ સેન્ટરો અને ૨૪ જેટલી ખાનગી હોસ્પિટલમાં સિનીયર સિટીઝન્સને રસી આપવામાં આવી રહી છે. કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે કેટલાક વરિષ્ઠ નાગરિકો તેમજ વડીલો એવા છે જેઓ કોમોર્બિડ બિમારી ધરાવતા હોવા છંતા પણ કોરોના વેક્સિન લઇ અન્ય નાગરિકોને કોરોના વેક્સીન લેવા માટે અનુરોધ કરી રહ્યા છે.
ભટારના ઉમાભવન નજીક પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા ૭૭ વર્ષિય વડીલ અને કોમોર્બિડ દર્દી કૈલાશભાઇ છાબડા, મહાનગરપાલિકા સંચાલિત ઉમરા કોમ્યનિટી હોલના રસીકરણ કેન્દ્રમાં વેક્સિન લીધા બાદ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, વેક્સિન કોરોના સામે રક્ષણ આપવામાં મહત્વની સાબિત થઇ રહી છે. જેથી તમામ લોકોએ વેક્સિન લઇ કોરોનાને જડમૂળથી નાબૂદ કરવા સહયોગ આપવો જોઇએ.
કાપડ બિઝનેસમાંથી નિવૃત થયેલા કૈલાશભાઇ વધુમાં જણાવે છે કે, ‘જ્યારથી વરિષ્ઠ નાગરિકોને કોરોના વિરોધી રસી આપવાનું અભિયાન ચાલું થયું, ત્યારથી જ નિશ્ચય કરી લીધો હતો કે હું પણ વેક્સિન લઈશ. પરંતુ ૨૦૧૯માં મને કેન્સર થયું હતું, તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બિમારીની મારી દવા ચાલુ છે. જેથી વેક્સિન સેન્ટર પર જઇ બધી પૂછપરછ કર્યા બાદ સાવચેતી સાથે મેં રસી લીધી છે.
‘મને ગર્વ છે કે હું રાજ્ય સરકારના અભિયાનમાં સામેલ થયો છું. જો સરકાર આપણું સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે સતત કાર્યરત રહેતી હોય તો આપણી પણ ફરજ છે કે મહામારી સામેની લડતમાં પ્રશાસનને સાથ આપીએ. મારા જેવા તમામ વરિષ્ઠ નાગરિકોને અપીલ કરું છું કે, નીરોગી અને નિરામય બની રહેવા કોરોના વિરોધી વેક્સિન લેવી જોઈએ, જેથી કોરોના સામેની લડાઈ વધુ મજબૂત થઈ શકે. લોકોએ કોરોનાથી ડરવાની નહીં, પણ સાવચેતી રાખવાની જરૂર છે તેમ જાગૃત્ત વડીલ કૈલાશભાઈ જણાવે છે.