ગુજરાતટ્રાવેલદક્ષિણ ગુજરાતસુરત

સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાનો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા થયો ઈ શુભારંભ

  • હજીરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય:
  • ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે નવીન ભેટ: સુરત બનશે ગુજરાતના પ્રવાસન સ્થળોનું પ્રવેશ દ્વાર
  • વર્ષ ૨૦૧૪ માં ભારતમાં દર વર્ષે ૧.૦૭ લાખ ક્રૂઝ પેસેન્જરો હતા, જે વધીને ૨૦૧૯-૨૦માં વર્ષદીઠ ૪.૬૩ લાખ થયાં: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીની સફળતા બાદ સુરતના હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાને કેન્દ્રીય પોર્ટસ, શિપીંગ, વોટરવેઝ, કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી ફ્લેગ ઓફ આપી શરૂઆત કરાવી હતી.

આ પ્રસંગે ડિજીટલ માધ્યમથી સંબોધન કરતાં મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, હજીરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય છે. ક્રુઝ સેવાથી ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે નવીન ભેટ મળી છે. સુરત ગુજરાતના પ્રવાસન સ્થળોનું પ્રવેશદ્વાર બનશે. કેન્દ્ર સરકારના સહયોગથી એસ્સાર પોર્ટ દ્વારા ‘નોટ ફોર પ્રોફિટ’ પહેલ હેઠળ દેશ માટે હજીરા ફેરી ટર્મિનલથી દીવ સુધી આ ક્રુઝ સેવા દ્વારા વૈશ્વિક કક્ષાના પ્રવાસન માટે જાહેર માળખાકીય સુવિધાઓ અને સામાન્ય વપરાશકર્તા માટે સુવિધાઓ ઉભી કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. વર્ષ ૨૦૧૪ માં ભારતમાં દર વર્ષે આશરે ૧.૦૭ લાખ ક્રૂઝ પેસેન્જરો હતા, જે વધીને ૨૦૧૯-૨૦માં વર્ષદીઠ ૪.૬૩ લાખ થયા હતાં એમ તેમણે ઉમેર્યું હતું.

Union Minister Mansukhbhai Mandvia launches cruise service between Hazira and Diu in Surat

માત્ર ૮ મહિનાના રેકોર્ડ સમયમાં ફેરી ટર્મિનલ પૂર્ણ કરાયું હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ક્રુઝ સેવા દ્વારા ભારતના પશ્ચિમ દરિયાકિનારા પર કોસ્ટલ પરિવહનમાં પરિવર્તનનો પવન ફૂંકાશે. પ્રવાસન સ્થળો પર પહોંચવામાં સરળતા રહેશે.
શ્રી માંડવિયાએ વધુમાં કહ્યું કે, હજીરા ફેરી ટર્મિનલ દ્વારા સામુદ્રિક, સાગરતટીય અને રિવર ક્રુઝ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ‘મેરીટાઇમ ઇન્ડિયા વિઝન-૨૦૩૦’ ના ધ્યેય સાથે ક્રુઝ શરૂ કરાઈ છે, જે સાથે ભારતના મેરીટાઈમ સેકટરનો ઝડપી વિકાસ કરવામાં સહાયરૂપ બનશે. સુરત કોસ્ટલ લાઈનને મુંબઇ કોસ્ટલ લાઈન સાથે જોડીને દરિયાઈ પ્રવાસનના વિકાસ સાથે ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. આ ક્રુઝમાં વિશ્વ આરોગ્ય સંગઠનની ગાઇડલાઈન્સ અનુસાર કોરોના મહામારીની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઇઆએ જણાવ્યું હતું કે, ‘મુંબઈ મેઈડન’ નામના ૩૦૦ પેસેન્જરની કેપેસિટી ધરાવતા આ ક્રુઝમાં ૧૬ જેટલી કેબિન પણ આવેલી છે. ગેમીંગ લોન્જ, વી.આઈ.પી. લોન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ક્રુઝમાં વિશ્વસ્તરીય સુવિધાઓમાં મરીન સ્ટ્રક્ટર્સ, લેન્ડીંગ પ્લેટફોર્મ, પેસેન્જર સુવિધાઓ સામેલ છે, જે આહલાદક દરિયાઈ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

એસ્સાર પોર્ટ્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજીવ અગ્રવાલે ક્રુઝ સેવાને સીમાચિહ્નરૂપ ગણાવી હતી. તેમણે રેકોર્ડ ટાઇમમાં કાર્યરત થયેલા ફેરી ટર્મિનલ અને ક્રુઝ રૂટથી ભારતીય દરિયાકિનારા ઉપરાંત એર, રોડ અને રેલવે કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ સાબિત થશે એમ તેમણે જણાવ્યુ હતું.

નોંધનીય છે કે,સપ્તાહના દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ પહોંચશે. તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે.એક તરફની મુસાફરી માટે અંદાજે ૧૩થી ૧૪ કલાકનો સમય લાગશે. આ ક્રુઝ સેવા અઠવાડિયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર,શનિવાર અને રવિવારના દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે. ચાર માસ પૂર્વે જ વડાપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘હજીરા-ઘોઘા’ રો-પેક્સ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં માત્ર ૪ માસમાં ૧ લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનોએ આ સેવાનો લાભ લીધો છે.

આ વેળાએ હજીરા એસ્સાર ટર્મિનલ પર ચીફ ઓપરેટિંગ ઓફિસર કેપ્ટન એસ. દાસ સહિત એસ્સાર પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button