પવિત્ર રામનવમીના પાવન પર્વ નિમિત્તે નવી સિવિલના કોવિડ વોર્ડમાં રામધૂનથી દર્દીઓને માનસિક સધિયારો આપવાનો અનોખો પ્રયાસ
કોરોના યોદ્ધાઓ અને દર્દીઓના તનમનને તરોતાજા કરવા સિવિલ તંત્રની પહેલ 'હોંસલા' અંતર્ગત રામધૂન અને ભજન કિર્તન
તબીબી સ્ટાફ, કોવિડ દર્દીઓનું મનોબળ વધારવા અનોખું અને સકારાત્મક કદમ
સુરત: કહેવાય છે કે, મનોબળ મજબૂત હોય તો અડધું યુદ્ધ એમ જ જીતી શકાય છે. કોરોનાની કટોકટી એક જંગથી કમ નથી. એટલે જ તબીબો અને આરોગ્યકર્મીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ કહેવાય છે. નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના સામે સતત જંગ લડી રહેલા તબીબી સ્ટાફ અને કોરોના દર્દીઓનું મનોબળ વધારવા અનોખી અને સકારાત્મક પહેલ ‘હોંસલા’ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે નવી સિવિલની સ્ટેમ સેલ કોવિડ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ડિસ્ટ્રેસિંગ ટીમ દ્વારા પવિત્ર રામનવમીના પર્વ નિમિત્તે રામધૂન અને ભજનકિર્તનનું આયોજન કરાયું હતું. દર્દીઓ દર્દ ભૂલીને રામધૂન ગાનમાં સહભાગી થયા હતા, તો તબીબો અને નર્સિંગ સ્ટાફે પણ રામધૂન બોલાવી હતી.
આ પ્રેરક કાર્યક્રમથી સ્ટેમસેલ કોવિડ વોર્ડમાં ભક્તિસભર દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડની બહાર દર્દીઓના પરિજનો પણ રામધૂનમાં સામેલ થયા હતા, અને રામનવમીના પવિત્ર પર્વે ભગવાન શ્રીરામને પોતાના સ્વજનોને સ્વસ્થ કરવાની પ્રાર્થના કરી હતી.
ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના ડીન ડો. ઋતુમ્ભરા મહેતાએ જણાવ્યું હતું કે, તબીબી સ્ટાફ સાથે દર્દીઓનું મનોબળ મજબૂત બને, કોરોના સામે લડવાનું સામર્થ્ય જન્મે એ માટે મનોચિકિત્સક કાઉન્સેલિંગ, સંગીત થેરાપી વિવિધ ધાર્મિક પ્રવચનો, હાસ્ય થેરાપી જેવા વિવિધ કાર્યક્રમો સામાજિક સંસ્થાઓના સહયોગથી નિયમિતપણે યોજવામાં આવશે. જેના ભાગરૂપે આજે પવિત્ર રામનવમીનો તહેવાર હોવાથી રામધૂન અને ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તબીબો, નર્સિંગ સ્ટાફ જ નહીં, દર્દીઓના માનસ પર પણ હકારાત્મક અસરો પડશે, તેમનું મનોબળ મજબુત બને જેનાથી દર્દીઓ સ્વસ્થ અને રોગમુકત થાય તેવા પ્રયાસો કરવા માટે સિવિલ તંત્ર સતત પ્રયાસરત છે એમ તેમણે ઉમેર્યું હતુ.