બિઝનેસસુરત

ચેમ્બરના ત્રિદિવસીય ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’નો મેયરના હસ્તે ભવ્ય શુભારંભ

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા. ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર ર૦રર દરમ્યાન બીટુસી ધોરણે યોજાયેલા ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’માં વિવિધ જ્વેલરી બ્રાન્ડ દ્વારા પાર્ટીસિપેટ કરાયું 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર, ર૦રર દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, અઠવા, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’નો આજથી ભવ્ય શુભારંભ થયો છે. ચેમ્બર દ્વારા આ વખતે બીટુસી ધોરણે એકઝીબીશન યોજાયું છે.

સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. જેમાં ઉદ્‌ઘાટક તથા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરી પ્રદર્શનને ખૂલ્લું મુકાયું હતું. આ સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેને આવકારી સ્પાર્કલનો ઇતિહાસ વાગોળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુરત શહેરને જ્વેલરી હબ બનાવવાનું સપનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયું હતું. વિશ્વભરમાં વેચાતા ૧૦૦ માંથી ૯૦ ડાયમંડ સુરતમાં બને છે અને સુરતના જ્વેલર્સ અવનવી ડિઝાઇન બનાવવા માટે આગવી તૈયારી કરી રહયા છે ત્યારે સુરત વિશ્વનું જ્વેલરી હબ બની શકે છે. આવું એટલા માટે થઇ શકે છે કે સુરત જ્વેલરી ડિઝાઇનીંગ ફેકટર્સમાં પણ આગળ છે. સુરતના હીરા અને જ્વેલરીના વ્યવસાય સાથે લગભગ ૭ લાખ લોકો જોડાયલા છે. સુરતના અર્થતંત્રનું કદ લગભગ પ૯.૮ બિલિયન યુએસ ડોલર જેટલું થાય છે, તેમાંથી લગભગ અડધો અડધ હિસ્સો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને આભારી છે.

સુરતમાં આવેલ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગનું ટોટલ ટર્નઓવર લગભગ વાર્ષિક ર લાખ કરોડ જેટલું થાય છે એટલે કે રપ.૬૦ બિલિયન યુએસ ડોલર જેટલું થાય છે, જે વર્લ્ડ યુનાઈટેડ નેશન્સ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલા દેશો જેવા કે યેમન, આઇસલેન્ડ, સાયપ્રસ, મકાઉ તથા અફઘાનિસ્તાનના કુલ આર્થિક કદથી પણ વધારે છે. વર્ષ ર૦૦૮–૦૯ માં ભારતથી લગભગ પ બિલિયન યુએસ ડોલરનું જ્વેલરી એક્‌સપોર્ટ હતું, જે હવે વધીને લગભગ ૧ર બિલિયન યુએસ ડોલર થયું છે. આ પ્રમાણે જોઈએ તો ભારતથી જ્વેલરી નિકાસમાં ૧ર વર્ષમાં ૮૦૦ ટકાનો વધારો થયો છે જે દર્શાવે છે કે સ્પાર્કલ એકઝીબીશનનું ઘણું મહત્વ છે.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સામાન્યપણે લોકો સોનું ખરીદતા હોય છે પણ મને પહેલાંથી જ ડાયમંડ પહેરવાનું ઘણું ગમે છે. વિશ્વભરમાં જ્યારે સુરતનું નામ ગૌરવથી લેવાય છે ત્યારે સુરતના નાગરિક હોવાનો ગર્વ અનુભવાય છે ત્યારે સુરતની જ્વેલરીને દેશમાં જ નહીં પણ અન્ય દેશોમાં પણ લઇ જવા માટેનું ચેમ્બર દ્વારા જે પ્લાનિંગ કરાઇ રહયું છે તે કાબિલે દાદ છે.

હવે સ્પાર્કલ એકઝીબીશનને વિદેશો સુધી પહોંચવાનો સમય આવી ગયો છે : સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ

સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૮ માં ચેમ્બરને સ્પાર્કલ પ્રદર્શન માટે ગુજરાત સરકારનો સહકાર મળ્યો હતો અને બીટુસીના ધોરણે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બીટુસીના ધોરણે એકઝીબીશન યોજવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે ડિસેમ્બરમાં બિન નિવાસી ભારતીયો પોતાના માદરે વતન આવે છે. લગ્ન પ્રસંગ હોવાથી લોકો તથા એનઆરઆઇઓ એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા આ પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવ્યું છે. હવે સ્પાર્કલ એકઝીબીશનને વિદેશો સુધી પહોંચવાનો સમય આવી ગયો છે.

સુરતથી સિંગાપોર અને દુબઇની ફલાઇટ મળે તેની પ્રોસિજર ચાલી રહી છે. સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે, આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય આવી ગયો છે. સુરત મહાનગરપાલિકાએ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે લાવવા માટે તેમણે નાગરિકોનો સહકાર મળી રહે તેવી આશા વ્યકત કરી હતી.

સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે? તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે : પોલીસ કમિશનર અજય કુમાર તોમર

પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, બારીકાઇથી જ્વેલરી બનાવવાનું કામ ઘણું પ્રભાવિત કરે છે. જ્વેલરીમાં સેન્સ ઓફ બ્યુટી કાયમ રહે છે. જો કે, જ્વેલરી માત્ર મહિલાઓનો જ વિષય નથી. પુરુષોની જ્વેલરી તરફ પણ જ્વેલર્સોએ ધ્યાન આપવું પડશે નહીં તો મોટો સેગમેન્ટ ભુલાઇ જશે. માનવને વધારે સુંદર બનાવવાનું કામ જ્વેલર્સ કરે છે. જ્વેલરીનો ઇતિહાસ ભારતનો રહયો છે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે. વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે મિલાન, પેરીસ અને ન્યુયોર્કમાં ઘણી તકો છે.

સ્પાર્કલના પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરાઇ રહયો છે

સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાયેલા સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. ચેમ્બરના માધ્યમથી ભારતના બીજા શહેરોમાં તથા અન્ય દેશોમાં જ્વેલરી શો કરવા સુરતના જ્વેલર્સ તૈયાર છે.

૧૦૦ જેટલી મહિલા સાહસિકોનું સન્માન કરાયું

ચેમ્બર દ્વારા ઉદ્‌ઘાટન સમારોહ દરમ્યાન સુરતની ૧૦૦ જેટલી મહિલા સાહસિકોને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી. આ તમામ મહિલા સાહસિકો દીપ પ્રાગટયવિધિમાં જોડાઇ હતી. મેયર હેમાલી બોઘાવાલા, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ અને પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે મહિલા સાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના ઓલ એકઝીબીશનના ચેરમેન તથા કન્વીનર બિજલ જરીવાલાએ ચેમ્બર દ્વારા યોજાનારા અન્ય એકઝીબીશનોની માહિતી આપી હતી. તેમણે વર્ષ ર૦ર૩ માં તા. રપ થી ર૭ ઓગષ્ટ દરમ્યાન બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરાશે તેની જાહેરાત કરી હતી.

આ ઉદ્‌ઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો પણ સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન દીપક કુમાર શેઠવાલા અને નિશા આનંદે સમારોહનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button