વકતવ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે : રૂપીન પચ્ચીગર
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમના ભાગરૂપે દસ દિવસીય પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ એન્ડ કોમ્યુનિકેશનના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ રૂપીન પચ્ચીગરે વકતવ્ય કયા પ્રકારનું હોવું જોઇએ? તે વિશે મહત્વની માહિતી આપી હતી.
રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે, વકતવ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. જેમાં શરૂઆત, મધ્યમ અને અંતનો સમાવેશ થાય છે. જેવી રીતે લંચ કે ડીનર ત્રણ ભાગમાં વિભાજીત થશે તેવી રીતે વકતવ્ય પણ ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. પહેલું વકતવ્યની શરૂઆત. સંબોધન, વાર્તા, શાયરી, રમુજી તુજકા (જોકસ), કવિતા, ગીત પંકિત, ચોંકાવનારી હકીકત અને પદાર્થના ઉપયોગથી થઇ શકે. જેમ સુપ પીવાથી ભૂખ લાગે તેવી રીતે વકતવ્યની શરૂઆત પણ સુપ જેવી હોવી જોઇએ. જેથી શ્રોતાઓની ભૂખ ઉઘડે અને તેઓ એવું વિચારતા થાય કે જો શરૂઆત આટલી સુંદર હશે તો આગળ કેટલી રોચકતા વધશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વકતવ્યના મધ્ય ભાગમાં અભ્યાસ પ્રચુર માહિતી હોવી જોઇએ. પરંતુ તેમાં આંકડાઓનો અતિરેક કરવો જોઇએ નહીં. જ્યારે આપણે પ ટ્રિલીયન યુએસ ડોલર ઇકોનોમીની વાત કરતા હોય ત્યારે તે ભારતીય રૂપિયામાં કહેવું જોઇએ કે જેથી શ્રોતાઓમાં તેની ગંભીરતા વધે. વકતવ્યના અંત ભાગમાં સમગ્ર વકતવ્યનો સારભાર, આભાર દર્શન, વાર્તા, શાયરી, બોધ અને અપીલ ફોર એકશન હોવી જરૂરી છે.