SGCCI દ્વારા કેલિડોસ્કોપ સિરીઝના ભાગરૂપે ‘ડાયરેકશન, એકટીંગ, ટેકનીકલ આસ્પેકટ્સ ઇન ડ્રામા એન્ડ સિલેકશન ઓફ ધ સ્ક્રીપ્ટ’વિષય ઉપર સેશન યોજાયું
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેલિડોસ્કોપ સિરીઝના ભાગરૂપે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ડાયરેકશન, એકટીંગ, ટેકનીકલ આસ્પેકટ્સ ઇન ડ્રામા એન્ડ સિલેકશન ઓફ ધ સ્ક્રીપ્ટ’વિષય ઉપર સેશન યોજાયું હતું. જેમાં સુરતના ગુજરાતી થિયેટરના ડાયરેકટર એન્ડ એકટર વૈભવ દેસાઇએ યુવા કલાકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
વૈભવ દેસાઇએ જણાવ્યું હતું કે, ડિરેકટર જ્યારે કોઇ એક વાર્તા ઉપર નાટક બનાવતા હોય છે ત્યારે તેઓને ઘણા બધા આસ્પેકટ્સને ધ્યાનમાં રાખવાના હોય છે. તેઓને કયા પ્રેક્ષકની સામે અને કયા સમય દરમ્યાન નાટક ભજવવાનું છે? તે ધ્યાન લેવાનું હોય છે. નાટકના એલીમેન્ટ્સ જે લોકોને સ્પર્શે અને તેમને ગમે તે વિશે વિચારવાનું હોય છે. સામાન્ય વિષયથી તેમના નાટકને આઉટ ઓફ ધ બોકસ કેવી રીતે લઇ જઇ શકાય તે દિશામાં પ્રયાસ કરવાનો હોય છે. હેલારો ફિલ્મ વિશે તેમણે કહયું કે, ગુજરાતી સિનેમામાં આવા વિષયની ફિલ્મ આજદિન સુધી બની શકી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાટક અથવા ફિલ્મની સફળતા માટે ટાઇમ, પ્લેસ અને એકશન આ ત્રણ વસ્તુઓ બહુ જ મહત્વની છે. લેખક હવામાંથી વાર્તા ઉપજાવીને કાગળ પર ઉતારતા હોય છે પણ ડિરેકટર માટે તેની સફળતા માટે કાસ્ટીંગ મહત્વનું હોય છે. કલાકાર પછી બજેટ ડિરેકટર માટે અગત્યનું પાસું હોય છે. તેમણે કહયું હતું કે, દર્શકો થિયેટર છોડીને નાટક જોવા માટે ત્યારે જ આવી શકે જ્યારે પહેલી સાત મિનિટમાં ઓડિયન્સ હાથમાં આવી જાય. ડિરેકટર તરીકે મારા પ્રયાસો પહેલી બે મિનિટમાં દર્શકો હાથમાં આવે તેવા હોય છે. એના માટે ડિરેકશન અને પ્રોડકશન વ્યવસ્થિત હોવું જોઇએ. લાઇટ્સ અને મ્યુઝીક બધું જ મહત્વનું હોય છે.
તેમણે મેથડ એકટીંગ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. કેરેકટરની અંદર પ્રવેશીને જબરજસ્ત અભિનય કરનાર નાના પાટેકર, નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર, અનિલ કપુર અને રણવીર સિંગના દાખલા આપીને મેથડ એકટીંગને તેમણે યુવા કલાકારોને સમજણ આપી હતી. મેથડ અભિનયના ચાર ભાગ જેવા કે આંગિક, વાશ્ચીક, આહાયક અને સાત્વીક વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વધુમાં કહયું કે, કલાકારે કામ કરતા કરતા સારા ડિરેકટરોને ફોલોઅપ પણ કરવું જોઇએ. જે કલાકાર નેચરલી એકટીંગ કરે છે તે હંમેશા સફળ થાય છે. વૈભવ દેસાઇએ સેશનમાં યુવા કલાકારોના વિવિધ સવાલોના જવાબ પણ આપ્યા હતા.
ચેમ્બરની કેલિડોસ્કોપ કમિટીના કો–ચેરમેન નિકેત શાસ્ત્રીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જ્યારે ચેમ્બરની સ્માર્ટ સિટી – તાપી કલીન્લીનેસ અભિયાન કમિટીના એડવાઇઝર સુનીલ જૈને પ્રાસંગિક વિધી કરી હતી.