ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘સ્ટડી એબ્રોડ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્સ્ટુ એસ્પાયરેશનના એકેડેમિક ડાયરેકટર સ્નેહા જરીવાલા અને ડાયરેકટર ભરત જરીવાલા દ્વારા વિદ્યાર્થીઓને જુદા–જુદા દેશોમાં ચાલતા અભ્યાસક્રમ વિશે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્નેહા જરીવાલાએ તેમના વકતવ્યમાં વિદેશમાં ભણવા માટે જવા માગતા વિદ્યાર્થીઓને એકેડેમિક પ્રોફાઇલ, ઇંગ્લીશ લેંગ્વેજ, વિદ્યાર્થી કયા કારણસર વિદેશ જવા માંગે છે? તથા સ્પાઉસ વીઝા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે યુ.એસ., કેનેડા, યુ.કે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુરોપ દેશોમાં ચાલતા અભ્યાસક્રમની સમજણ આપી હતી. જુદા–જુદા દેશો પ્રમાણે વિદ્યાર્થીઓને વર્ષ દરમ્યાન થતા ખર્ચા વિશે પણ જાણકારી આપી હતી. તદુપરાંત ફાયનાન્સીયલ ગાઇડન્સ જેમ કે બેંક લોનના પેરામીટર્સ અને કન્સેપ્ટ વિશે માહિતી આપી હતી.
ભરત જરીવાલાએ અન્ડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પછી કયા દેશમાં જઇ શકાય તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ તથા વાલીઓને તેમણે મેનેજ અને અરેન્જ ફંડ વિશે સમજણ આપી હતી. તેમણે બેકલોગ્સ અને સ્ટડીગેપ સંદર્ભે પણ વાત કરી હતી. કન્ટ્રી વાઇઝ આઇ.ઇ.એલ.ટી.એસ.માં કેટલા માકર્સ હોવા જોઇએ?, ભણવા માટે કઈ કન્ટ્રી સારી છે? તેમજ ભણીને સેટલ થવા માટે કઇ કન્ટ્રી સારી છે? તે વિશે જણાવી કન્ટ્રી વાઇઝ પોપ્યુલર કોર્સિસની માહિતી આપી હતી. યુ.કે., ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સ્પાઉસ સાથે ભણવા જઇ શકાય તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ફ્રી એજ્યુકેશન વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જર્મની અને ઇટલીમાં સરકારની યુનિવર્સિટીમાં ફ્રીમાં અભ્યાસ કરી શકાય છે. વિદ્યાર્થીઓને માત્ર રહેવા અને જમવાનો ખર્ચ કરવાનો હોય છે.
ઉપરોકત સેમિનારમાં ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન પૂનમ દેસાઇએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતી શેઠવાલાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે લેડીઝ વીંગના સભ્ય મયુરી મેવાવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.