ગુજરાતસુરત

ગ્રીનમેન વિરલ દેસાઈનું દુબઈમાં આંતરાષ્ટ્રીય સન્માન

ગ્રીનમેન વિરલ દેસાઈને ગ્લોબલ એનવાર્યમેન્ટ એન્ડ ક્લાયમેટ એક્શન સિટિઝન એવોર્ડથી સન્માનિત કરાયા

સુરત, (ગુજરાત): સુરતના ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈને દુબઈની પામ એટલાન્ટિસ હૉટેલ ખાતે આંતરાષ્ટ્રીય સન્માનથી સન્માનીત કરવામાં આવ્યા છે. ગ્લોબલ એનવાર્યમેન્ટ એન્ડ ક્લાયમેટ એક્શન સિટિઝન એવોર્ડ મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય બન્યાં છે, જેમને ક્લાયમેટ એક્શન માટે સન્માનીત કરાયા હોય. આ સમારંભમાં  ભારત, બ્રિટેન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, પેરીસ અને મલેશિયા સહિત અગિયાર દેશોના વિજેતાઓ હાજર રહ્યા હતા. તો યુએઈના ફોરેન ટ્રેડ એન્ડ ઈકોનોમિક ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ શેખ અવાદ મોહમ્મદ મુજરીન પણ ત્યાં વિશેષરૂપે હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગત ૨૩મી ડિસેમ્બરે દુબઈની પામ એટલાન્ટિસ હૉટેલ ખાતે ‘સંસ્કૃતિ યુવા સંસ્થાન’ના પંડિત સુરેશ મિશ્રા દ્વારા આંતરાષ્ટ્રીય સ્તરના ભારત ગૌરવ સન્માનનું આયોજન કરાયું હતું. જેમાં ભારતની તેમજ વિદેશની ૨૮ હસ્તીઓને ભારત ગૌરવ સન્માન એનાયત કરાયું હતું. આ યાદીમાં મોટીવેશનલ સ્પીકર પદ્મશ્રી ગૌર ગોપાલદાસ, પોલો પ્લેયર અશ્વિનીકુમાર શર્મા, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન પદ્મશ્રી મધુ પંડિત દાસ, સંગીતકાર પદ્મભૂષણ પંડિત વિશ્વમોહન ભટ્ટ, પદ્મશ્રી રામકિશોર છીપા, નિર્ભયાની માતા આશાદેવી અને ડચ બેન્કના સીઈઓ સાકેત મિશ્રા જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.

ગ્રીનમેન વિરલ દેસાઈએ આ સંદર્ભે કહ્યું હતું, ‘પ્રકૃતિસેવા આપણને કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકે છે. આપણે માત્ર પ્રકૃતિમાં શ્રદ્ધા રાખવાની છે અને પ્રકૃતિ જતન માટે તનમન અને ધનથી મહેનત કરવાની છે. બાકી, બધુ આપોઆપ થતું હોય છે. મને આ રીતે મને ત્રીજી વખત આંતરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે. પર્યાવરણ સંરક્ષણ માટેના આ આંતરાષ્ટ્રીય સન્માન માટે મને યોગ્ય ગણવા માટે ભારત ગૌરવની ટીમ તેમજ પંડિત સુરેશ મિશ્રાજીનો અત્યંત આભારી છું.’

ઉલ્લેખનીય છે કે દુબઈની પામ એટલાન્ટિસ હોટેલ ખાતે યોજાયેલા સમારંભમાં વિરલ દેસાઈએ ગર્વપૂર્વક ગાંધી ટોપી પહેરીને સન્માન સ્વીકાર્યું હતું, જે અનેક વિદેશી મહેમાનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અનેક વિદેશી માંધાતાઓ તેમજ ભારત ગૌરવ વિજેતાઓએ વિરલ દેસાઈ પાસે ગ્રીન ઉધના મોડેલ સ્ટેશનની માહિતી લીધી હતી અને ભારતમાં વધુ ને વધુ વૃક્ષારોપણ થાય અને એન્વાર્યમેન્ટલ મોડેલ્સ તૈયાર થાય એ માટે એમઓયુ કરવાની તૈયારી દાખવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button