નવી સિવિલના પીડિયાટ્રીશ્યન કોરોનાને ૧૩ દિવસમાં હરાવી પુન: ફરજ પર થયા હાજર
ડર એ કોરોનાથી વધુ ઘાતક વાઈરસ છે: ડરો નહીં, કોરોના સામે આપણી પૂર્વકાળજી જીવાડે અને જીતાડે છે
સુરત: કોરોના પ્રથમ અને બીજા ફેઝમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ કોરોનાનો ભોગ બન્યા, પરંતુ આ કોરોના યોદ્ધાઓએ સ્વસ્થ થઈને એમની સારવાર-સેવાને અટકવા ન દીધી, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના ડો. દેવવ્રત ભીડે. ૨૫ વર્ષીય યુવા પીડિયાટ્રીશ્યન ડો.ભીડે ૧૩ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવી પુન: ફરજ પર હાજર થયા છે. વેક્સીનના બંને ડોઝ લીધા હોવાથી તેઓને સઘન સારવાર લેવાની જરૂર પડી ન હતી. અને આઈસોલેશનમાં રહી જરૂરી સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ ગયા છે.
‘ડર એ કોરોનાથી વધુ ઘાતક વાઈરસ છે, જેથી ડરો નહીં, કોરોના સામે આપણી પૂર્વકાળજી જીવાડે અને જીતાડે છે એમ તેઓ જણાવે છે.
મૂળ મહારાષ્ટ્રના પૂણેના વતની ડો.દેવવ્રત ભીડે સિવિલમાં હોસ્પિટલમાં પીડિયાટ્રીશ્યન તરીકે ફરજ બજાવે છે. ડો.ભીડેએ જણાવ્યું કે, સુરતમાં કોરોનાના સેકન્ડ ફેઝનું સંક્રમણ તીવ્ર ગતિથી વધ્યું ત્યારથી સ્ટેમ સેલ બિલ્ડીંગ અને કિડની હોસ્પિટલની કોવિડ ઓપીડીમાં ફરજ પર નિયુક્ત હતો, એ દરમિયાન તા. ૮ એપ્રિલે મને શરદી, ઉધરસ અને નબળાઈના લક્ષણો જણાતા આરટીપીસીઆર કરાવ્યો, જે પોઝિટિવ આવતા સિવિલ આરોગ્ય તંત્ર દ્વારા સ્ટાફ માટે નિયત કરાયેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં આઈસોલેટ થઈને સારવાર મેળવી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, સારવારમાં એલોપેથીક દવાઓની સાથે આયુર્વેદિક ઔષધીય પદાર્થો, ઉકાળા, સ્ટીમ્યુલેશન, ગરમ પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થયો. ૧૩ દિવસ ક્વોરન્ટાઈનમાં રહી સારવાર મેળવી કોરોના સામે જીત મેળવી છે. હું સંપૂર્ણ સ્વસ્થ થયો હોવાથી તા.૨૨ એપ્રિલે ફરીવાર ફરજ પર જોડાયો છું.
તેઓ લોકોને જાગૃતિનો સંદેશ આપતાં કહે છે કે, માસ્ક અને વેક્સીન એ કોરોના સામેની લડાઈનું અસરકારક શસ્ત્ર છે. ખુલ્લામાં ક્યારેય પણ માસ્ક વિના ન નીકળો. અવારનવાર હાથ ધોવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની ટેવને જીવનનો ભાગ બનાવો. ડર એક એવી ચીજ છે જે સ્વસ્થ વ્યક્તિને પણ બીમાર કરી દે છે. એટલે પોતાની જાતને મોટીવેટ કરી ભયને દૂર ભગાડો એમ તેમણે ઉમેર્યું હતું.
આમ, પ્રેરણાસ્ત્રોત બનેલા યુવા પીડિયાટ્રીશ્યન કોરોના સામેની લડાઈ જીતી સ્વસ્થ થયા બાદ ફરી એક વાર નિષ્ઠાપૂર્વક સેવારત બન્યા છે.