આરોગ્ય મંત્રાલયે 7 જાન્યુઆરી 2021 સુધી યુકેથી ભારત આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અસ્થાયીરૂપે સ્થગિત રાખવાના નિર્ણયને લંબાવવાની ભલામણ કરી
આરોગ્ય સચિવે નવા વર્ષની ઉજવણી દરમિયાન “બહોળો પ્રસાર” કરતી ઘટનાઓને નિયંત્રિત કરવા માટે કડક દેખરેખ રાખવા તમામ રાજ્યોને પત્ર લખ્યો
આરોગ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ભલામણ કરી છે કે યુકેથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે સ્થગિત કરવાના સમયગાળાને 7 મી જાન્યુઆરી (ગુરુવાર), 2021 સુધી લંબાવવામાં આવે.
ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS)ની અધ્યક્ષતામાં જોઇન્ટ મોનીટરીંગ ગ્રુપ (JMG) અને ડીજી, આઇસીએમઆર તથા સભ્યો (આરોગ્ય), નીતિ આયોગની સંયુક્ત અધ્યક્ષતામાં નેશનલ ટાસ્ક ફોર્સ પાસેથી મળેલા પ્રતિભાવોના આધાર પર આ ભલામણો આપવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એવી પણ સલાહ આપવામાં આવી છે કે 7 મી જાન્યુઆરી 2021 પછી પણ યુકેથી ભારત આવતી ફ્લાઇટ્સની મર્યાદિત સંખ્યા ઉપર કડક નિયમનો લાગ્યા બાદ તેને પુનઃ શરૂ કરવામાં આવે. આ પ્રકારની વ્યવસ્થાની વિગતો નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કરીને નક્કી કરી શકાય.
કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને સૂચના આપી છે કે નવા વર્ષની ઉજવણી અને તેને સંલગ્ન જુદા જુદા કાર્યક્રમો તેમજ સાથે સાથે વર્તમાન સમયમાં ચાલી રહેલ શિયાળાની ઋતુ દરમિયાન ભીડ ઉપર નિયંત્રણ રાખવામાં આવે અને એવા કાર્યક્રમો કે જે સંભવિત રૂપે આ બીમારીના “બહોળા પ્રસારક” બની શકે તેમ છે તેની ઉપર કડક દેખરેખ રાખવામાં આવે.
ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને હમણાં તાજેતરમાં જ આપવામાં આવેલ સલાહ અને માર્ગદર્શનનું આરોગ્ય મંત્રાલય દ્વારા પુનઃઉચ્ચારણ કરવામાં આવ્યું છે. ગૃહ બાબતોના મંત્રાલયે આદેશ આપ્યો છે કે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાને ત્યાંની સ્થિતિનું મૂલ્યાંકન કરીને તે અનુસાર કોવિડ 19 ના ફેલાવાને અટકાવવા માટે રાત્રિ કર્ફ્યૂ જેવા કેટલાક પ્રતિબંધો લાગુ કરી શકે છે. ગૃહ મંત્રાલયે એવું પણ નક્કી કર્યું છે કે આંતર રાજ્ય કે રાજ્યની અંદર લોકો અને માલસામાનની હેરફેર કરવામાં કોઈ પ્રતિબંધ લાગુ કરવામાં નહિ આવે. આ બાબત ઉપર ધ્યાન દોરતા આરોગ્ય સચિવે તમામ રાજ્યોને વિનંતી કરી છે કે તેઓ પોતાની સ્થાનિક સ્થિતિનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરે અને 30 મી અને 31 મી ડિસેમ્બર, 2020 ના રોજ તેમજ 15 જાન્યુઆરી, 2021 ના રોજ જરૂરી પ્રતિબંધો લગાવે.