અમદાવાદ

જુનાગઢના દર્દીનું હ્યદય મોરબીના દર્દીમાં ધબક્યુ : દર્દીની 5 વર્ષની અસહ્ય પીડાનો અંત આવ્યો

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર બનેલી ઘટના
  • બ્રેઇનડેડ દર્દીના હ્યદયનું અંગદાન મેળવવામાં મળી સફળતા
  • “હ્યદય” સિવિલ હોસ્પિટલ થી ગ્રીન કોરિડોર મારફતે 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી સીમ્સ હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે પહોચ્યું

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર હ્યદયનું અંગદાન મેળવવામાં સફળતા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દી મુકેશસિહ સોલંકી બ્રેઇનડેડ જાહેર થતા તેમના 4 અંગોની સાથે હ્યદયનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી.

જૂનાગઢના મુકેશસિંહ સોલંકીના હ્યદયને સિવિલ હોસ્પિટલ થી સિમ્સ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર કરીને પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતુ.

હ્યદયને ગ્રીન કોરિડોર મારફતે પોલીસ એક્સકોર્ટની મદદથી 12 કિ.મી.નું અંતર ફક્ત 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે સરળતાથી પહોંચાડવામાં સફળતા મળી હતી.

મુકેશસિંહના પાંચ અંગોમાંથી કિડની અને સ્વાદુપિંડ સુરતના 35 વર્ષના પુરુષને, જ્યારે બીજી કિડની 65 વર્ષના અમદાવાદના દર્દીને , જયારે લીવર 40 વર્ષની અમદાવાદની મહિલામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

મુકેશભાઇના હ્યદયને મોરબીના 36 વર્ષના પુરુષમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ. જેની વિગતો જણાવતા સીમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ધીરેન શાહે જણાવ્યું કે, મોરબીના 36 વર્ષના પુરુષ દર્દી મારફાનોઇડ સિન્ડ્રોમથી પીડાઇ રહ્યા હતા. જેના કારણે શરીરના સ્નાયુઓ નબળા થઇ રહ્યા હતા. જેની આડઅસર હ્યદય પર પણ વર્તાવા લાગી. દર્દીના હ્યદયના વાલ્વ પણ ખરાબ થઇ જવા પામ્યા હતા. તેમની મહાધમની ફૂલી રહી હતી.જેના નિયંત્રણ માટે 2017માં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. સર્જરી બાદ સમય જતા હ્યદયમાં રૂધિરનું વહન 10 ટકા જેટલું જ થઇ રહ્યું હોવાથી પેશમેકર પણ મૂકવામાં આવ્યુ હતુ.વળી છેલ્લા એક વર્ષથી દર્દીનું બ્લડપ્રેશર પણ 80 થી 90 જેટલું રહેતુ હતુ. આ પરિસ્થિતિને મેડિકલ ભાષામાં “ડિકમ્પનસ્ટેટેડ હાર્ટ ફેલ્યોર(ક્ષતિગ્રસ્ત હ્યદય) તરીકે ઓળખાવામાં આવે છે. જેમાં શરીરના દરેક અંગમાં બ્લડપ્રેશર ઓછુ થઇ જાય છે જે કારણોસર અન્ય અંગોમાં પણ આડઅસર વર્તાવાની સંભાવના વધી જાય છે.

આ તમામ પરિસ્થિતો વચ્ચે જ્યારે આ પુરુષ દર્દીને હ્યદયનું દાન મળ્યુ અને જેનું અમારી હોસ્પિટલ દ્વારા 5 કલાકની જટીલ સર્જરી બાદ સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેના થકી આ દર્દીના જીવનમાં ખરા અર્થમાં ઉજાસ પથરાયો છે. તેઓ આગામી જીવન કાર્યક્ષમતા સાથે પસાર કરી શકશે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે,ગુજરાતની સંવેદનશીલ સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ સિવિલ હોસ્પિટલમાં 9 મહિનામાં 11 બ્રેઇનડેડ દર્દીઓના 35 અંગોનું દાન મેળવીને 29 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે.જેમાં છેલ્લા 9 દિવસમાં 3 અંગદાન થયા છે.

સિવિલ હોસ્પિટલની (SOTTO) ની ટીમના સહિયારા પ્રયાસોના ભાગરૂપે જ આજે સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત હ્યદયનું પણ દાન મળ્યું છે જે સફળતાપૂર્વક અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરાતા અમારી ટીમને આનંદની લાગણી છે. અંગદાન થકી અન્ય જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળે છે તેમના જીવનમાં ઉજાસ પથરાય છે માટે વધુમા વધુ લોકોએ અંગદાન માટે આગળ આવવું જોઇએ.

અત્રે નોંધનીય બાબત એ પણ છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલને ડિસેમ્બર -2020 માં અંગોના રીટ્રાઇવલ(પુન: પ્રાપ્તિ) સેન્ટર તરીકેની મંજૂરી મળતા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા દર્દીના અંગોનું હોસ્પિટલ ખાતે જ રીટ્રાઇવલ કરીને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ(પ્રત્યારોપણ) માટે મોકલી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button