ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ઇન્ડોનેશિયામાં વ્યવસાયિક તકો’ વિશે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ હીઝ એકસલન્સી મીસ્ટર આગુસ પી. સાપ્તોનોએ ઇન્ડોનેશિયા દેશમાં જુદા–જુદા ક્ષેત્રોમાં રહેલી વ્યાવસાયિક તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું.
કોન્સુલ જનરલ હીઝ એકસલન્સી મીસ્ટર આગુસ પી. સાપ્તોનોએ ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયાનો હમણાં ભારતની સાથે ર૦ બિલિયન યુએસ ડોલરનો વ્યવસાય છે. જેને આગામી છ વર્ષમાં વધારીને પ૦ બિલિયન યુએસ ડોલર કરવાનો હેતુ છે. એના માટે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ ગાઢ બનાવવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે.

તેમણે ભારતથી ઇન્ડોનેશિયા ખાતે ઉદ્યોગકારોનું એક પ્રતિનિધી મંડળ લઇ જવા માટે ઉદ્યોગકારોને આમંત્રણ આપ્યું હતું. ઇન્ડોનેશિયામાં કેમિકલ, ડાયમંડ, ગારમેન્ટ, જેમ એન્ડ જ્વેલરી, ઇન્ફ્રાસ્ટ્રકચર તથા ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ટેકસટાઇલ એન્ડ ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ઘણી તકો રહેલી હોવાનું તેમણે જણાવ્યું હતું. તદુપરાંત ઇન્ડોનેશિયા સરકાર ડિફેન્સ, કોસ્ટલ સિકયુરિટી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં પણ ઘણી વ્યાયસાયિક તકો શોધી રહી છે. આથી તેમણે આ ક્ષેત્રોમાં પણ ઉદ્યોગકારોને રોકાણ કરવા અનુરોધ કર્યો હતો.
ઉપરોકત ઇન્ટરેકટીવ સેશનમાં ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અંતે ચેમ્બરની ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન એન્ડ કોન્સ્યુલેટ લાયઝન કમિટીના કો–ચેરમેન હર્ષલ ભગતે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.



