સુરત
હજીરા અદાણી ફાઉન્ડેશને મહિલા દિવસની ઉજવણી અનોખી પહેલ સાથે કરી
૧૦ વર્ષ સુધીની ૭૫ દીકરીઓના ખાતા ખોલી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવ્યો
સુરત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ અને બેંક ઓફ બરોડા-સુંવાલી બ્રાંચના સંયુક્ત ઉપક્રમે “સુકન્યા સમૃદ્ધિ યોજના” નો લાભ આપવા ૧૦ વર્ષ સુધીની ૭૫ દીકરીઓના ફોર્મ ભરી, તેમના ખાતા ખોલીને એક અનોખી પહેલ સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બેંક ઓફ બરોડાના મેનેજર તેમજ તેમના સ્ટાફ દ્વારા વાલીઓને આ યોજનાથી તેમના ખભા પરથી દીકરીના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો થશે એમ જણાવી યોજના હેઠળ મળતા લાભો વિષે માહિતગાર કરાયા હતાં, જેથી વધુમાં વધુ વાલીઓ આ યોજનાનો લાભ લઇ શકે. બેંક ઓફ બરોડા અને અદાણી ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ થકી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના અભિયાનને પણ પ્રોત્સાહન આપવા સાથે દીકરીઓના ઉછેર અને તેમના સુરક્ષિત ભવિષ્ય માટેની પગદંડી સ્વરૂપ નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.