ગ્રીનમેન વિરલ દેસાઈએ ઈદીમાં વૃક્ષ આપવાની પહેલ કરી
સુરત, ગુજરાત: પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈએ રમઝાન ઈદ નિમિત્તે 500 જેટલા રોપાઓનું વિતરણ કરીને ઈદની ઉજવણી કરી હતી. સાથે જ તેમણે વિશેષરૂપે અપીલ કરી હતી કે મુસ્લિમ બિરાદરોએ બાળકોને ઇદીમાં વૃક્ષોની પણ ભેટ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ રોપા વિતરણ અંતર્ગત વિરલ દેસાઈની સંસ્થાએ સુરતની વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરીને રોપા પહોંચાડ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશને ક્વોરેન્ટાઈન થયેલા લોકો માટે ભોજન પહોંચાડતી સંસ્થા ‘લોકડાઉન હેલ્પ ગ્રુપ’ના સભ્યો ચેતન જેઠવા તેમજ મસુદ વોરાજી સાથે મળીને સો જેટલા રોપાનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. તો એ ઉપરાંત અન્ય મુસ્લિમ બિરાદરો તેમજ સંસ્થાઓ સાથે મળીને ચારસો જેટલા રોપા વહેંચ્યા હતા. આ ઉજવણીમાં દાઉદી વહોરા સમાજના બિરાદરોને પણ સામેલ કરાયા હતા અને તેમને પણ ઈદ નિમિત્તે રોપાં પહોંચાડાયા હતા.
આ બાબતે ગ્રીનમેન વિરલ દેસાઈ જણાવે છે કે, ‘દરેક તહેવારને પર્યાવરણ અને વૃક્ષારોપણ સાથે જોડવું એ અમારી પ્રથા છે. હું દૃઢપણે માનું છું કે જ્યારે તહેવારો સાથે પર્યાવરણ જોડવામાં આવે ત્યારે લોકો પર્યાવરણ બાબતે અત્યંત ગંભીર બને છે. વળી, આ સમયમાં તો આપણને સ્પષ્ટ થઈ ગયું છે ઑક્સિજન અને વૃક્ષોનું મહત્ત્વ શું છે. એટલે કોઈ પણ રીતે વધુમાં વધુ વૃક્ષો રોપાય એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. આ માટે થઈને જ હું અપીલ કરું છું કે બાળકોને ઈદીમાં વૃક્ષો પણ અપાવા જોઈએ, જેથી એની સાથે એક ભાવના જોડાય અને એ ભાવનાને લીધે પર્યાવરણની કદર થાય.’
તો રોપાનો લાભ લેનાર બાબુ સોના શેખનું કહેવું છે કે, ‘વિરલભાઈએ જે રીતે ઈદને પર્યાવરણ સાથે સાંકળી એ અત્યંત પ્રેરણારૂપ છે. એમની પાસે પ્રેરણા લઈને અમે પણ વધુમાં વધુ લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડીશું અને માત્ર ઈદ પર જ નહીં, પરંતુ આવનારા સમયમાં અનેક પ્રસંગોએ વૃક્ષારોપણ કરીશું. તેમજ અમારી મસ્જિદો તેમજ યતિમખાનામાં પણ વિરલભાઈની જાણકારીનો લાભ લઈને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીશું.
ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ આ અગાઉ ‘ટ્રી ગણેશા’નું આયોજન કરી ચૂક્યા છે, જે અંતર્ગત તેમણે દેશભરમાં મુહિમ ચલાવીને વિવિધ શહેરોમાં હજારો વૃક્ષોનું રોપણ કરાવ્યું હતું.