રાજ્યપાલે વેડ ગામ તાપી તટે ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી થઈ સુરતવાસીઓને સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા
શહેરીજનો અને પ્રશાસનના સહિયારા પ્રયાસોથી આગામી દિવસોમાં સુરત સ્વચ્છતામાં નંબર ૧ બનશે: રાજ્યપાલ
‘સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન’ને વેગવાન બનાવી સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમે લઈ જવાનો અનુરોધ કરતાં રાજ્યપાલ
સુરત: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તાપીકિનારે આવેલા વેડ ગામ ખાતે સુરત મહાનગરપાલિકા અને વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના સહયોગથી આયોજિત ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી થયાં હતાં. તેમણે તાપી તટે સફાઈકર્મીઓ અને સ્વચ્છાગ્રહી સુરતવાસીઓ સાથે સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ અને સિદ્ધનાથ મંદિરને કચરાપેટી સહિતની સફાઈ કીટ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતુ કે, ડાયમંડનગરી, ટેક્સટાઇલ નગરી તરીકે આગવી ઓળખ ધરાવતું સુરત એ વિશ્વના ૧૦ વિકસિત શહેરોમાં સ્થાન ધરાવે છે. સુરત ન માત્ર ગુજરાત બલકે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યું છે એમ જણાવી તેમણે સુરતને સ્વચ્છ બનાવવામાં મનપાના પ્રયાસોની સરાહના કરી હતી, અને સ્વચ્છતાની યાત્રાને ઉત્તરોત્તર સઘન બનાવવા અનુરોધ કર્યો હતો.
‘નં.૦૧ બનેગા સુરત’ સૂત્ર દ્વારા સુરતને મનપાએ દેશનું સૌથી વધુ સ્વચ્છ અને સુઘડ શહેર બનાવવા કમર કસી છે, ત્યારે દેશમાં સ્વચ્છતામાં બીજા ક્રમે રહેલું સુરત શહેર શહેરીજનો અને પ્રશાસનના સહિયારા પ્રયાસોથી આગામી દિવસોમાં નંબર ૦૧ બનશે એવો રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન’ને વેગવાન બનાવી જનતાની ભાગીદારી અતિ આવશ્યક હોવાનો પણ મત વ્યક્ત કર્યો હતો.
મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ રાજ્યપાલશ્રીને તાપી શુદ્ધિકરણ અભિયાનની કામગીરી અને પ્રગતિ અંગે જાણકારી આપી હતી.
આ વેળાએ મામલતદાર શ્રી પાર્થ ગોસ્વામી, વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળના શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, સેવક સ્વામી સહિત સંતગણ, શિક્ષકગણ, મનપાના અધિકારીઓ, કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયાં હતાં.