ચેમ્બરના માધ્યમથી સુરતમાં પ્રથમ વખત રિસીવેબલ એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડનું પ્લેટફોર્મ MSME ઉદ્યોગકારોની વચ્ચે પ્રસ્તૃત કરવામાં આવ્યું
રિસીવેબલ એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડમાં દક્ષિણ ગુજરાતના બધા જ એમએસએમઇ તથા કો–ઓપરેટીવ સેકટર્સ અને સુરત મહાનગરપાલિકાને બાયર તરીકે રજિસ્ટર્ડ કરી શકાય : ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી
તા. ૩૧ માર્ચ ર૦રર સુધીમાં રિસીવેબલ એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના પ્લેટફોર્મ ઉપર રજિસ્ટ્રેશન મેળવનાર ચેમ્બરના દરેક સભ્યને રજિસ્ટ્રેશન ફીની માફી આપવામાં આવશે : RXIL CFO કૈલાશ વરોડીયા
RXIL પ્લેટફોર્મ પરથી બાયર અને સેલર બંને એક જ ઇન્વોઇસ ઉપર ફાયનાન્સ મેળવી શકે છે
MSME સપ્લાયરને એક દિવસમાં બીલ ડિસ્કાઉન્ટ થકી કોઇપણ સિકયુરિટી વગર પેમેન્ટ મળી જશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. પ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટીંગ સિસ્ટમ ફોર એમએસએમઇઝ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે રિસીવેબલ એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (RXIL) ના ચીફ ફાયનાન્શીયલ ઓફિસર કૈલાશ વરોડીયા અને રિજીયોનલ મેનેજર ભાવિક શર્મા દ્વારા લઘુ ઉદ્યોગકારોને આરબીઆઇના ઓનલાઇન પ્લેટફોર્મ થકી પેમેન્ટને કેવી રીતે સુરક્ષિત કરી શકાય છે ? તે દિશામાં ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટીંગ સિસ્ટમ વિશે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
RXIL ના ચીફ ફાયનાન્શીયલ ઓફિસર કૈલાશ વરોડીયાએ જણાવ્યું હતું કે, રિસીવેબલ એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ એ નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) તથા આઇસીઆઇસીઆઇ, એકસીસ અને યસ બેંક દ્વારા ભેગા મળી સ્થાપિત કરવામાં આવેલું ભારતનું સૌપ્રથમ રિસીવેબલ એકસચેન્જ છે. આ પ્લેટફોર્મ ઉપર એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારો દ્વારા પોતે વેચેલ પ્રોડકટનું ઇન્વોઇસ ડિસ્કાઉન્ટ કરવા માટે અપલોડ કરવાનું હોય છે. હાલમાં આ પ્લેટફોર્મ ઉપર ૪૮ બેંકો, રજિસ્ટર્ડ ફાયનાન્શીયલ ઇન્સ્ટીટયુશન છે. જેઓ દ્વારા બાયરની ક્રેડીટને ધ્યાનમાં લઇને સપ્લાયર પાસે કોઇપણ પ્રકારના કો–લેટરલ લીધા વગર ઇન્વોઇસ બેઇઝ પર T+1 દિવસમાં એમએસએમઇ ઉદ્યોગકારોના બેંક ખાતામાં બીલ ડિસ્કાઉન્ટ કરી જમા કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે છેલ્લાં દસ મહિનામાં રૂપિયા ૧૦ હજાર કરોડના બીલ ડિસ્કાઉન્ટ થઇ ચૂકયા છે તથા ભારતભરમાંથી ૧૦૦૧૩ જેટલા સપ્લાયર, ૭૪૦ બાયર્સ અને ૪૮ ફાયનાન્સર્સ રજિસ્ટર્ડ થયા છે. આ પ્લેટફોર્મ ઉપર ઓછામાં ઓછા રૂપિયા ૧૦૦ અને વધુમાં વધુ રૂપિયા ૮.પ૦ કરોડનું બીલ ડિસ્કાઉન્ટ થયું છે. સાથે જ આ પ્લેટફોર્મ ઉપર ૪ ટકાથી લઇને ૧ર ટકા સુધીનો વ્યાજદર ઓફર થયો છે.
ચેમ્બરના માધ્યમથી સુરતમાં પ્રથમ વખત આ પ્લેટફોર્મ એમએસએમઇ ઉદ્યોગકારોની વચ્ચે પ્રસ્તૃત કરવામાં આવ્યું છે. કૈલાશ વરોડીયાએ ચેમ્બરના પ્લેટફોર્મ ઉપરથી જાહેરાત કરી હતી કે, આગામી તા. ૩૧ માર્ચ ર૦રર સુધીમાં રિસીવેબલ એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના પ્લેટફોર્મ ઉપર રજિસ્ટ્રેશન મેળવનાર ચેમ્બરના દરેક સભ્યને રજિસ્ટ્રેશન ફી પેટે રૂપિયા રપ૦૦ ની માફી આપવામાં આવશે.
RXIL ના રિજીયોનલ મેનેજર ભાવિક શર્માએ જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ ઉપર સેલર તરીકે માત્ર એમએસએમઇ જ રજિસ્ટર્ડ થઇ શકે છે. પરંતુ બાયર તરીકે તમામ પ્રકારના એકમો રજિસ્ટર્ડ થઇ શકે છે. જેમાં સ્મોલ, મિડિયમ અને માઇક્રો એકમો પણ આવી શકે છે. બાયર અને સેલર બંનેએ આ પ્લેટફોર્મ ઉપર રજિસ્ટર્ડ થવાનું હોય છે અને સેલર દ્વારા અપલોડ કરાયેલા ઇન્વોઇસને બાયરે વેલીડેટ કરવાનું હોય છે.
બાયરે સેલર પાસેથી ૪પ દિવસની ક્રેડીટ લીધી હોય અને તેને ૯૦ દિવસની ક્રેડીટ મેળવવી હોય તો પણ આ પ્લેટફોર્મ થકી મેળવી શકે છે. એટલે આ પ્લેટફોર્મ બાયર, સેલર અને ફાયનાન્સર ત્રણેય માટે ઉપયોગી છે. આ પ્લેટફોર્મ પરથી કેવી રીતે ઓછા વ્યાજદરે બીલ ડિસ્કાઉન્ટ કરી વેપારી પોતાનું પ્રોફીટ મેળવી શકે છે તથા પેમેન્ટ રિસ્ક નાબૂદ કરી શકે છે તેની વિસ્તૃત માહિતી તેમણે આપી હતી.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ રિસીવેબલ એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બધા જ એમએસએમઇને બાયર તરીકે રજિસ્ટર્ડ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે કહયું હતું કે, જો આવું કરવામાં આવશે તો રૂપિયા ૧૦ હજાર કરોડના બીલ ડિસ્કાઉન્ટ એક માત્ર દક્ષિણ ગુજરાત બેલ્ટમાંથી જ થઇ જશે. તેમણે દક્ષિણ ગુજરાતના કો–ઓપરેટીવ સેકટર્સ તથા સુરત મહાનગરપાલિકાને પણ બાયર તરીકે રજિસ્ટર્ડ કરવા અનુરોધ કર્યો હતો.
ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની એમએસએમઇ કમિટીના એડવાઇઝર સીએ જનક પચ્ચીગરે સેમિનારનું સંચાલન કર્યું હતું. એમએસએમઇ કમિટીના ચેરમેન સીએ શૈલેષ લાખનકીયાએ વકતાઓનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.