ચેમ્બર દ્વારા શરૂ કરાયેલા ટેકસટાઇલના શોર્ટ ટર્મ કોર્સ પૂર્ણ કરનારા ઉદ્યોગ સાહસિકો – વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા
‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’ની બેચમાં ૧ર જેટલા વિદ્યાર્થીઓ એન્જીનિયર્સ હતા તથા એક ઉદ્યોગ સાહસિક છેક ઇરોડથી સુરત ખાસ આ કોર્સ શીખવા માટે આવ્યા હતા, જ્યારે ‘કન્વેન્શનલ વિવિંગ’માં ૧રમાંથી ૪ વિદ્યાર્થીઓ એમબીએ હતા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કાપડ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો માટે તથા વિવિધ ક્ષેત્રે ઝંપલાવનારા યુવાઓને સ્કીલ કરવાના પ્રયાસના ભાગરૂપે શરૂ કરાયેલા ‘ટેક્ષ્ટાઇલ ફાઇબર એન્ડ યાર્ન’, ‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’અને ‘કન્વેન્શનલ વિવિંગ’શોર્ટ ટર્મ ટ્રેનીંગ કોર્સની અનુક્રમે ત્રીજી અને નવમી બેચ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને શનિવાર, તા. રપ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ચેમ્બરના માનદ્ મંત્રી દીપકકુમાર શેઠવાલા, ચેમ્બરના ટેકનીકલ કોર્સિસના પ્રોજેકટ હેડ અમરીષ ભટ્ટ અને ટેકસટાઇલ ઉદ્યોગકાર નિતિન પટેલના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
ચેમ્બરના માનદ્ મંત્રી દીપકકુમાર શેઠવાલાએ ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અમરીષ ભટ્ટે ચેમ્બર દ્વારા ચાલી રહેલા ટેકસટાઇલના અન્ય કોર્સિસની માહિતી આપી હતી. જ્યારે ટેકસટાઇલ ઉદ્યોગકાર નિતિન પટેલે ચેમ્બરના માધ્યમથી ટેકસટાઇલ સંંબંધિત જ્ઞાન મેળવનારા ઉદ્યોગ સાહસિકો – વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીમાં સફળતાની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પંદર દિવસના શોર્ટ ટર્મ કોર્સ ‘ટેક્ષ્ટાઇલ ફાઇબર એન્ડ યાર્ન’માં રપ અને ‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’માં ૪ર વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. જ્યારે ચાર મહિનાનો કોર્સ ‘કન્વેન્શનલ વિવિંગ’માં ૧ર વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. ‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’ની બેચમાં આ વખતે ૧ર જેટલા વિદ્યાર્થીઓ એન્જીનિયર્સ હતા. એમાંથી એક ઉદ્યોગ સાહસિક છેક ઇરોડથી સુરત ખાસ આ કોર્સ શીખવા માટે આવ્યા હતા. જ્યારે ‘કન્વેન્શનલ વિવિંગ’માં ૧રમાંથી ૪ વિદ્યાર્થીઓ એમબીએ હતા.
ઉપરોકત કોર્સિસમાં વિવિધ પ્રકારના ફાઈબર્સ, યાર્ન અને ફેબ્રિકસનું પાયાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. સાથે સાથે કવોલીટી ઓફ ફેબ્રિકને કેવી રીતે આઇડેન્ટિફાઇ કરવું તે પણ ફેકલ્ટી સેજલ પંડયા તથા હાર્દિક તોગડીયા દ્વારા શીખવાડવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ પ્રકારના ફાઈબર્સ અને તેની એપ્લીકેશન્સ, વિવિધ પ્રકારના યાર્ન, તેની પ્રોપર્ટીઝ અને તેની એપ્લીકેશન્સ, અનેક પ્રકારના ફેબ્રિકસ અને તેની એપ્લીકેશન્સ, ફાઈબર આઇડેન્ટિફીકેશન, કન્સ્ટ્રકશન ઓફ ફેબ્રિક વિષય પર જ્ઞાન આપવામાં આવ્યું હતું.