કડવા પાટીદાર સમાજ વાડી ખાતે રોજગાર મેળાનું આયોજન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે રવિવાર, તા. ર૪ જાન્યુઆરી, ર૦ર૧ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાંદેર રોડ સ્થિત અમીધારા, કડવા પાટીદાર સમાજ વાડી ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના અગ્રણી મહેન્દ્ર કતારગામવાલાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે અનેક લોકોને રોજગારી ગુમાવવી પડી હતી. જ્યારે કેટલાક લોકોના પગાર ધોરણ ઓછા થયા હતા. આવા સંજોગોમાં લોકોને ફરીથી તેમની પસંદગી મુજબની નોકરી મળી રહે તે હેતુથી રોજગાર મેળાનો સંયુકત પ્રયાસ સરાહનીય છે.
સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ સુખદેવ પટેલે જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલી પ્રવૃત્તિમાં સહભાગી થવાનો જે મોકો મળ્યો છે તે અમારા માટે અસામાન્ય ઘટના છે. બધા જ સમાજના વ્યકિતઓ આ ઉપક્રમમાં જોડાયા છે તેનો અમને સૌને આનંદ છે. ઉદ્ઘાટન સમારોહનું સંચાલન ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું. જ્યારે આભારવિધી સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંજય પટેલે કરી હતી.
રોજગાર મેળામાં માર્કેટીંગ, ફાયનાન્સીંગ, ખાનગી બેન્કીંગ, એન્જીનિયરીંગ, ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, કેમિકલ અને રિયલ એસ્ટેટ વિગેરે સેકટર મળીને ૯૯ કંપનીઓએ ભાગ લીધો હતો અને ૧૭૦૦ નોકરીવાંચ્છુકોના ઇન્ટરવ્યૂ કર્યા હતા. જેમાંથી ર૧૮ ઉમેદવારોને પ્રથમ તબકકે જ પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે ૬રર ઉમેદવારોને બીજા રાઉન્ડના ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. એટલે એક અંદાજ પ્રમાણે એમ કહી શકાય કે આખી પ્રોસેસના અંતે પ૦૦ જેટલા નોકરીવાંચ્છુકોને નોકરી પ્રાપ્ત થશે.