મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
સુરતની ૮૦૦ બેડની કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાશે
ગુજરાત માટે ત્રણ લાખ રેમડેસીવીર ઈન્જેકશન ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે
સુરતઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત શહેર-જિલ્લાની કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે કોરોના સંક્રમણ અને નિયંત્રણ સ્થિતી અંગે પદાધિકારીઓ અન્ય ઉચ્ચ અધિકારીઓશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના મહામારીને નાથવા તેમજ લોકોને આરોગ્યની ઉચ્ચ સુવિધા આપવા તંત્ર અને પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરોનાના વધતા જતા સંક્રમણને ખાળવા માટે રાજય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. સુરત તથા રાજય માટે અનેક પ્રજાહિતકારી નિર્ણયો લીધા હતા અને હાલમાં પણ નિર્ણય લીધા છે. જેની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, સમગ્ર રાજયભરમાં ખાનગી નર્સીંગ હોમ પણ હવેથી કોવિડ કો-મોર્બિટ અને એ-સિન્ટોમેટિક લોકોની સારવાર કરી શકશે. સુરતની નવી સિવિલ હોસ્પીટલ ખાતે ૮૦૦ બેડની કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે અને નવા ૩૦૦ વેન્ટીલેટરની ફાળવણીનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમાંથી ખાનગી હોસ્પિટલને પણ જરૂરિયાત મુજબના વેન્ટીલેટર પણ ફાળવવામાં આવશે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાની સારવાર માટે સમગ્ર ગુજરાત માટે ત્રણ લાખ રેમડેસીવિર ઈન્જેકશનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે પૈકી સરકારી હોસ્પિટલના દર્દીઓને વિનામૂલ્યે તથા ખાનગી હોસ્પિટલને જરૂરીયાત મુજબ આપવામાં કરવામાં આવશે. સુરત શહેરને આજ સાંજ સુધીમાં ૨૫૦૦ જેટલા રેમડેસિવીર ઇન્જેક્શનોનો જથ્થો પહોચી જશે તેમ જણાવીને આગામી દિવસોમાં રેમડેસિવીર ઇન્જેક્શન બાબતે કોઈ ફરિયાદ નહી રહે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજય સરકારે કોરોનાનું ઓછામાં ઓછું સંક્રમણ થાય તે માટે અગાઉ કરવામાં આવતા ૬૦ હજારના ટેસ્ટીંગ સામે ૧.૨૦ લાખ ટેસ્ટીગ કરવામાં આવી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ૩-T ટ્રેસિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટની ફોમ્યુલા અપનાવવામાં આવી રહી છે. વધુમાં, સુરત ખાતે હાલમાં કાર્યરત ૫૦ સંજીવની રથની સંખ્યા વધારીને ૧૦૦ કરવામાં આવશે.
કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ ડરવાની નહી પણ સાવચેતી રાખવાની જરૂરીયાત છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં કોરોનાને ખાળવા માટે ૭૦ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે તેમજ હાલમાં દૈનિક ચાર લાખ નાગરિકોનું વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, માસ્ક પહેરનાર વ્યકિતઓને રક્ષણ મળે છે જેથી જેથી સૌ કોઇ માસ્ક પહેરે એવો અનુરોધ આ પ્રસંગે તેમણે કર્યો હતો.
આજની સુરત મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરપાલિકા માટે નવા ૧૦ જેટલા ધન્વંતરી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ સુરત મહાનગરપાલિકાને વધુ ૪૦ રથોની સેવા પ્રાપ્ત થશે.
બેઠકમાં આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાશનાથન, આરોગ્ય અગ્રસચિવશ્રી જયંતિ રવિ, આરોગ્ય કમિશનરશ્રી જયપ્રકાશ શિવહરે, જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, પોલીસ કમિશનરશ્રી અજય તોમર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.