સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોનાવિરોધી રસીકરણ યોજાયું
કોરોના પ્રતિકારક રસીકરણ અભિયાન-૨૦૨૧
૧૪૧૩ આરોગ્યકર્મીઓનું વેક્સિનેશન
સુરતઃ રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં અવિરત કાર્ય કરી રહેલા આરોગ્ય સાથે સંકળાયેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં કોરોનાની રસી મુકવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રસીકરણના ૧૩મા દિવસે સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ ખાતાના કર્મચારીઓને કોરોના પ્રતિકારક રસી અપાઈ હતી.
સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત તા.૨૮મીના રોજ કુલ ૨૬ સેશનમાં કુલ ૧૪૧૩ આરોગ્યકર્મીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તા.૨૯ જાન્યુ., ૪ ફેબ્રુ.,અને ૫ ફેબ્રુ. ના રોજ સુરત જિલ્લામાં કુલ ૫૦ સેશન સાઈટ ઉપર રસીકરણનું આયોજન કરાયું છે. તા.૫ ફેબ્રુ. સુધીમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓનું ૧૦૦ % રસીકરણ પુર્ણ કરવાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે, આજદિન સુધીમાં એક પણ કોરોના વોરિયરને કોરોના રસીની સાઈડ ઈફેકટ થઈ નથી.
જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત રસીકરણ અભિયાનમાં મેડિકલ ઓફિસરો, આરોગ્ય સુપરવાઈઝરો, પેરામેડિકલ સ્ટાફ જેમ કે લેબ ટેક્નીશિયન ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને આરોગ્યનાં વિવિધ કેડરના કર્મચારીઓ તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના આશા બહેનો, આશા ફેસેલિટેટરો અને આંગણવાડી કાર્યકર બહેનોને રસી આપવામાં આવી હતી.
રસીકરણ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસરો, મેડિકલ ઓફિસરો, આયુષ એમ.ઓ., સહિત આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. ના કર્મચારીઓએ રસીકરણને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.