૩૨મા નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત માર્ગ સલામતી અંગે વેબિનાર યોજાયો
ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી વિષયક જનજાગૃત્તિ અંગે માર્ગદર્શન અપાયું
સુરત: ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ઝેડ.એફ. વાડિયા વિમેન્સ કોલેજ અને એન.કે.ઝોટા કોમેર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ ખાતે ૩૨મા નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત માર્ગ સલામતી અંગે વેબિનાર યોજાયો હતો. વેબિનારમાં ૩૮૪થી વધુ વિદ્યાર્થિનીઓ ભાગ લીધો હતો. જેઓને રોડ સેફ્ટી અંતર્ગત ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી અંગેની જાગૃત્તિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રોડ સેફ્ટી ટ્રેનર અને D.T.E.W પ્રેસિડેન્ટ) શ્રી બ્રિજેશ વર્માએ રોંગ સાઈડ વાહનના ચલાવવાથી ગંભીર અકસ્માતો અને તેના નિવારણ માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહન ચલાવવાના નિયમો, ટ્રાફિકની નિશાનીઓ અને સીટ બેલ્ટ, હેલ્મેટના મહત્વ અંગે તલસ્પર્શી સમજ આપી હતી.
ટ્રાફિક રીઝિયન-૩ ના એસીપીશ્રી એચ.ડી.મેવાડાએ પણ વેબિનારના આયોજન બદલ ટ્રાફિક વિભાગ અને રોડ સેફટી એકેડેમીને અભિનંદન આપી રોડ અકસ્માત નિવારણ અંગે લોકોના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે માર્ગ સલામતી માટેના ટ્રાફિક વિભાગ અને સરકારના પ્રયાસો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વેબિનારમાં રસ્તા પર વાહન ચલાવવાની સાઈડ લેન ડ્રાઈવિંગ અંગેની સમજૂતી, રોડ અકસ્માત અટકાવવાં અંગે જાગૃત્તિ માટે ઓડિયો વિઝ્યુઅલથી સમજાવવમાં આવ્યું હતું. વેબિનારમાં ડિજીટલ રીતે જોડાયેલી તમામ વિદ્યાર્થિનીઓને ઈ- સર્ટીફિકેટ આપવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે, શહેર તેમજ જિલ્લાની દરેક કોલેજોમાં આવનારા દિવસોમાં રોડ સેફટી અંગે વેબિનારનું આયોજન કરવામાં આવનાર છે, જો કોઈ કોલેજ,શાળા કે સંસ્થામાં આયોજન કરવા માટે મો.૯૭૨૪૨૭૭૭૭૧ ઉપર સંપર્ક કરવા રોડ સેફટી એકેડેમી દ્વારા જણાવાયું છે.
આ પ્રસંગે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર સી.સી.ચૌધરી અને એમ.બી.દેસાઈ તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડો.અશોક દેસાઈ, DTEWSના સેક્રેટરી હિતેશ રાણા તેમજ ઈ-માધ્યમથી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.