ધો. ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન અપાયું
સેમિનારમાં વિદ્યાર્થીઓ – વાલીઓને એગ્રી, ફાયર ટેક, હેલ્થ, રોબોટિકસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, જિનેટીકસ વિગેરે કોર્સિસથી માહિતગાર કરાયા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ– સુરતના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. ૧૦ જૂન, ર૦રર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જે. ડી. ગાબાણી હોલ, સૌરાષ્ટ્ર પટેલ ભવન, મીનીબજાર, વરાછા રોડ, સુરત ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧ર પછી કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાના હેતુથી કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ– સુરતના પ્રમુખ તેમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા અને શિક્ષણ સર્વદાના સંપાદક જયેશ બ્રહમભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ભારતની નવી શૈક્ષણિક પોલિસી સ્કીલ બેઇઝ અને ઇન્ટરેસ્ટ બેઇઝ બની રહી છે. જે વિદેશી યુનિવર્સિટીઓ સાથે કોમ્પીટ કરવા માટે જરૂરી બની રહેશે. જો આવડત પ્રમાણે જ્ઞાન પીરસવામાં આવે તો બાળક જીવનમાં ચોકકસપણે સફળ થાય છે. ડોકટર અને એન્જીનિયર સિવાય પણ ઘણા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓનું કારકિર્દી ઘડતર થાય છે. આથી તેમણે બાળકોને તેમની આવડત પ્રમાણે કારકિર્દી ઘડવા દેવા માટે વાલીઓને અનુરોધ કર્યો હતો.
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ– સુરતના પ્રમુખ તેમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો વિશે સમજણ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સેલ્ફ ઇન્ટરેસ્ટ, યુનિક આઇડેન્ટીટી, હાર્ડવર્કીંગ નેચર, ફેમિલી સપોર્ટ, માર્કેટ પોટેન્શીયલ, ફયુચર ફોરકાસ્ટીંગ, કોસ્ટ કમ્પેરીઝન, જોબ / બિઝનેસમાં શકયતાઓ અને પોપ્યુલારિટી / પ્રેસ્ટીજ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને જે ક્ષેત્રમાં રસ હોય તેમાં મહેનત કરવાની તેમજ આવડત પ્રમાણે જીવન ઘડવાની તેમણે સલાહ આપી હતી. હાર્ડવર્કીંગ નેચર હશે તો કોઈપણ ફિલ્ડમાં શ્રેષ્ઠતમ કારકિર્દી બનાવી શકો છો તેમ તેમણે જણાવ્યું હતું.
શિક્ષણ સર્વદાના સંપાદક જયેશ બ્રહમભટ્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ધો. ૧૦ અને ૧ર પછી ૭૦૦થી પણ વધુ કોર્સિસ કરીને પોતાની કારકિર્દી બનાવી શકે છે. નોલેજ બધા પાસે હોય છે પણ નોલેજ એપ્લીકેશન કર્યા બાદ જ સફળતા હાંસલ થાય છે. કલ્પનાને હકીકતમાં રૂપાંતરિત કરવા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સખત મહેનત કરવી પડે છે. તેમણે વૈશ્વિક કક્ષાએ ચાલી રહેલા વિવિધ કોર્સિસ તેમજ કરીયર ટ્રેન્ડસ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. એગ્રી, ફાયર ટેક, હેલ્થ, રોબોટિકસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, જિનેટીકસ વિગેરે કોસિર્સ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓના વિવિધ સવાલોના જવાબ પણ આપ્યા હતા.
કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સંચાલન સીએ શૈલેષ લાખનકીયા અને મનિષ વઘાસિયાએ કર્યું હતું. અંતે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ– સુરતના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ ભરત સતાસિયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.