સત્યાગ્રહની ભૂમિ બારડોલી ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો
સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનો-સ્વાભિમાનની ગાથાથી આવનારી પેઢી સંસ્કારિત-પ્રેરિત થશે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર
- સુરત જિલ્લામાં તા.૨૮મી માર્ચ થી ૩જી એપ્રિલ દરમિયાન સુરત શહેર-જિલ્લામાં દાંડી-યાત્રા પરિભ્રમણ કરશેઃ
-
બારડોલીવાસીઓને દાંડી-યાત્રામાં સહભાગી થવાનો અનુરોધ કરતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર
સુરતઃ ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ની ઉજવણીનો અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશવ્યાપી કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો હતો.
ટાઉનહોલ ખાતે આયોજિત મહોત્સવને સંબોધન કરતા મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે, ભારતની આઝાદી માટે અનેક વિરલાઓએ પોતાના બલિદાનોને આપ્યા છે. ૭૫ વર્ષની ભવ્ય ઉજવણીથી તેમના બલિદાનો-સ્વાભિમાનની ગાથાથી આવનારી પેઢી સંસ્કારિત-પ્રેરિત થશે. રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને યાદ કરીને આઝાદીના ૭૫ વર્ષમાં ભારત કયા પહોચ્યું અને આગામી ૨૫ વર્ષમાં વિશ્વગુરૂ બનાવવાના લક્ષ્ય સાથે ભવ્ય ભારતના નિર્માણ માટે સૌને કટિબધ્ધ થવાની હિમાયત કરી હતી. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે ૭૫ સપ્તાહ સુધી દેશભકિતસભર કાર્યક્રમો યોજાશે. ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીએ યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરવા માટે ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી.ની દાંડીયાત્રાનો વડાપ્રધાને પ્રારંભ કરાવ્યો છે, ત્યારે આપણા જિલ્લામાં દાડી-યાત્રા પ્રવેશે ત્યારે બહોળી સંખ્યામાં લોકોને જોડાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ અવસરે જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે સ્વાગત પ્રવચન કરી આઝાદીના ૭૫ વર્ષમાં ભારત દેશે અનેકક્ષેત્રોમાં પ્રગતિ કરી છે આવનારા વર્ષોમાં લક્ષ્યાંકો નક્કી કરીની દેશને વધુ પ્રગતિના પંથે લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના ઉમંગ અને ઉત્સાહ પુનઃજીવિત થાય તેવા આશયથી યોજવામાં આવેલી દાંડીયાત્રા સુરત જિલ્લામાં પરિભ્રમણ કરે ત્યારે સૌ કોઈને જોડાવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
આ વેળાએ સ્વરાજ આશ્રમના પ્રમુખશ્રી ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, ગાંધી વિચારોએ અનેક લોકોને માટીમાંથી મર્દ બનાવ્યા છે. તેમણે ગાંધીજીના આફ્રિકાથી લઈ અનેક આંદોલનો, સત્યાગ્રહો વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી.
સ્વરાજ આશ્રમના નિરંજનાબેને જણાવ્યું હતું કે, ગાંધીજી સાથે બારડોલીનો અનોખો નાતો રહ્યો છે. ગાંધીજીએ બારડોલીની ૨૦ વાર મુલાકાત લીધી હતી. આઝાદી માટે અનેક નરબંકાઓએ પોતાના બલિદાનો આપ્યા છે ત્યારે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ આગામી વર્ષોમાં ભારત દેશ ’વિશ્વ ગુરૂ બને તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.
આ વેળાએ સરદાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તથા ધુમકેતુ એકેડેમી દ્વારા દેશભક્તિસભર, સર્વ ધર્મ સમભાવની કૃતિઓ રજુ કરીને મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.
આ મહોત્સવમાં મામલતદાર જીજ્ઞાબેન પરમાર, અગ્રણી સર્વશ્રી સંદિપ દેસાઈ, ડો.અમૃતભાઈ, અજીતસિંહ સુરમા, જીજ્ઞેશ પટેલ, જગદીશ પટેલ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.