મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્રનું અનોખું અભિયાન
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-૨૦૨૧
શહેરના વિવિધ મેગા સ્ટોરોમાં એલ.ઈ.ડી. સ્ક્રીન પર ડિજીટલ રીતે મતદારોને જાગૃત્ત કરવાનો અનોખો પ્રયાસઃ
‘સ્થાનિક સ્વરાજનું વધશે માન, જ્યારે દરેક મતદાર કરશે મતદાન’ જેવા સ્લોગનો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
સુરત: લોકશાહી રાષ્ટ્રમાં ચૂંટણી એ સૌથી મોટું લોકતાંત્રિક પર્વ છે. મતદાન કરવું એ આપણી ફરજ અને અધિકાર છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગીદાર બને અને મતદાન માટે જાગૃત્ત બને તેવા આશય સાથે ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારી-સ્વીપ અને સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરશ્રી જયેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ અનોખી રીતે મતદાન જાગૃતિ અંગેનું પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવીને તંત્ર દ્વારા મતદાન જાગૃતિના ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સુરત શહેરના વિવિધ મેગા સ્ટોરમાં એલ.ઈ.ડી. સ્ક્રીન પર વધુમાં વધુ મતદાન થાય તે અંગેના સ્લોગન પ્રસારિત કરીને મતદારોને જાગૃત્ત કરવાંના પ્રયાસો કરાઈ રહ્યા છે. જેમાં શહેરના ક્રોમા સ્ટોર-રામ ચોક, વિજય સેલ્સ-પીપલોદ, વેસુ ખાતે રિલાયન્સ ડિઝીટલ, રિજેન્ટ મોલ ખાતે ટી.વી.સ્ક્રીન પર ‘સ્થાનિક સ્વરાજનું વધશે માન, જ્યારે દરેક મતદાર કરશે મતદાન’, ‘‘મારો મત નિર્ણાયક મત’’, જેવા સ્લોગન દર્શાવીને મતદાન જાગૃતિનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. શોરૂમ પર આવતાં મુલાકાતીઓ, ગ્રાહકો ટી.વી.સ્ક્રીનથી મતદાન માટે જાગૃત્ત થઈ રહ્યાં છે.
વિશાળ રેસિડેન્સી, વધુ વસવાટ ધરાવતી રહેણાંક બિલ્ડીંગોના પેસેજમાં લિફ્ટ સામે પણ લોકોની નજર ખેંચાય એ રીતે એલ.ઈ.ડી. ગોઠવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, પાલિકાની પ્રચારવાન દ્વારા સ્કુલ, આંગણવાડીઓ, સોસાયટીઓ, બી.આર.ટી.એસ. બસ સ્ટેશનો, એરપોર્ટ પર હોર્ડિંગ્સ તથા જાહેર સ્થળો અને વધુ અવરજવરવાળા વિસ્તારોમાં પ્રત્યક્ષ જઈને લોકોને વધુ મતદાન કરવાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.