કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મતદારોની સલામતીને અનુલક્ષીને સુરક્ષિત રીતે મતદાન કરાવાશે: રાકેશ શંકર
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચુંટણી-૨૦૨૧
સુરત જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી અંગે તાલુકાના ચૂંટણી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ
રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર રાકેશ શંકરે ચુંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી
કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મતદારોની સલામતીને અનુલક્ષીને સુરક્ષિત રીતે મતદાન કરાવાશે: રાકેશ શંકર
સુરતઃ સુરત જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકાની તા.૨૮મી ફેબ્રુ.-રવિવારના રોજ યોજાનાર ચુંટણી સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરશ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના તમામ તાલુકાઓના ચૂંટણી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચુંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સાથોસાથ ઓબ્ઝર્વરશ્રીએ આર.ઓ. તથા નોડલ ઓફિસરો સાથે બેઠક યોજી શહેર અને જિલ્લામાં ચૂંટણી સંબંધિત કામગીરીની પ્રગતિ અને ચૂંટણી પ્રક્રિયાના સુવ્યવસ્થિત આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરાલયના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ઓબ્ઝર્વરશ્રી રાકેશ શંકરે જણાવ્યું કે, કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મતદારોની સલામતીને અનુલક્ષીને સુરક્ષિત રીતે મતદાન કરાવાશે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક મતદાનમથકો પર તકેદારીના ભાગરૂપે મતદાતાઓને હેન્ડ ગ્લોવ્ઝ આપીને મતદાન કરાવવાની વ્યવસ્થામાં આવશે.
સુરતમહાનગરપાલિકા વિસ્તાર તેમજ તમામ તાલુકામાં રિસીવિંગ અને ડિસ્પેચીંગ સેન્ટરો, ચૂંટણી પ્રક્રિયાની તાલીમ, માનવહરોળનું મેનેજમેન્ટ, સ્મુધ એન્ટ્રી અને સ્મુધ એક્ઝિટ અંગેની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. તાલુકાઓમાં ઉપલબ્ધ ઈવીએમ, વાહનો, મટિરીયલ મેનેજમેન્ટ, સ્વીપની કામગીરીની વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતાં.
શ્રી રાકેશ શંકરે ચુંટણી સાથે સંકળાયેલા તમામ સ્ટાફને તાલીમબદ્ધ કરવા સાથે આર.ઓ.તાલીમનું નેતૃત્વ કરી પ્રોત્સાહિત કરે એમ જણાવ્યું હતું. મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળે નિકાલ કરવાંની વ્યવસ્થા કરવાંની પણ સુચનાઓ આપી હતી.
તેમણે ચુંટણીની આચારસંહિતા સહિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે ચૂંટણી અધિકારીઓ, આર.ઓ. અને નોડલ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. કોરોના મહામારી વચ્ચે કોરોના માર્ગદર્શિકા અનુસાર મતદાનમથકો પર મતદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે, સેનિટાઈઝેશન સહિતની વ્યવસ્થાઓ સુદ્ઢ થાય તે માટે તકેદારી લેવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા, નિવાસી અધિક કલેકટર અને નોડલ અધિકારીશ્રી સંજય વસાવા તેમજ તમામ આર.ઓ. તથા નોડલ અધિકારીઓ અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા મથકોએ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.