હિંદુ કારડીયા રાજપૂત સમાજના ૩૬ વર્ષીય પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
૨૦૩ હરી ક્રિષ્ન એપાર્ટમેન્ટ, અવધૂત નગર, કતારગામ મુકામે રહેતો અને રત્નકલાકાર તરીકે કામ કરતો પૃથ્વીરાજસિંહ તા. ૧૫ જુનના રોજ પોતાના મિત્રો સાથે દાંડી ફરવા ગયેલ હતો, ત્યાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે દાંડી રોડ ઉપર સિલ્વર સ્ટોન વિલાની સામે મોટર સાયકલ સ્લીપ થઇ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેને તાત્કાલિક
સુરતની નવી સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
તા.૧૭ જુનના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પૃથ્વીરાજસિંહને બ્રેનડેડ જાહેર કર્યો.
મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પૃથ્વીરાજસિંહના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી પૃથ્વીરાજસિંહના ભાઈ જગતસંગ ચૌહાણ, બનેવી ફુલસંગભાઈ વાળા, પિતરાઈ ભાઈ મનુભાઈ ચૌહાણ, મિત્ર મિલનસિંહ પરમારને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
પૃથ્વીરાજસિંહના ભાઈ જગતસંગ જેઓ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમજ પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે બનવાકાળ જે ઘટના બનવાની હતી તે બની ગઈ છે આજે અમારો ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. પૃથ્વીરાજસિંહના પરિવારમાં તેના પિતા, પત્ની અને બે પુત્રો છે જેઓ ધોરણ ૧૦ અને ધોરણ ૮ માં અભ્યાસ કરે છે
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવર દાનમાટે જણાવ્યું.
SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે કિડનીનું દાન, ડો. ધનેશ ધનાણી, ડો.મિતુલ શાહ, ડો.પ્રશાંથ રાવ અને તેમની ટીમે લિવરનું દાન, ડૉ.સંકીત શાહે ચક્ષુઓનું દાન સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ નવસારીની રહેવાસી ૧૯ વર્ષીય યુવતીમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૨૨ વર્ષીય યુવકમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૬૭ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં પૃથ્વીરાજસિંહના ભાઈ જગતસંગ ચૌહાણ, બનેવી ફુલસંગભાઈ વાળા, પિતરાઈ ભાઈ મનુભાઈ ચૌહાણ, મિત્ર મિલનસિંહ પરમાર તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સંજય ટાંચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, નરસિંહભાઈ ચૌધરી, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૨૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૩૦ કિડની, ૧૮૩ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૩૨ ચક્ષુઓના દાનથી કુલ ૯૩૬ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.